નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે જે શ્રેષ્ઠ પદ્ધતિ અમલમાં છે તેની સરખામણીમાં ભારતમાં સિગારેટો પર હાલનો કરબોજ ઘણો ઓછો છે. સિગારેટ પર સૌથી વધારે વેરો નાખનાર દેશો છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. સિગારેટ ખરીદવાનું આ બે દેશોએ અત્યંત મોંઘું કરી દીધું છે. આ જાણકારી ટોબેકોમિક્સ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ટરનેશનલ સિગારેટ ટેક્સ સ્કોરબોર્ડમાં આપવામાં આવી છે. ભારતે એક સમયે આ સંદર્ભમાં પોતાનો સ્કોર સુધાર્યો હતો. 2014માં ભારતનો સ્કોર 1.38 હતો, જે 2016માં 2.38 થયો હતો, પરંતુ ત્યારબાદ કરવેરામાં વધારાના અભાવને કારણે અને સિગારેટની ઉપલબ્ધતા વધી જતાં સ્કોર 2018માં 1.88 સુધી ઘટી ગયો હતો
ગઈ કાલે સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ-2021-22માં સિગારેટ કે તમાકુના ઉત્પાદનો પર કોઈ નવો વેરો લાદવામાં ન આવતાં સિગારેટ ઉત્પાદકોએ રાહતનો મોટો દમ ખેંચ્યો હશે. સરકારે સિગારેટ તથા અન્ય તમાકુ ઉત્પાદનો પર નેશનલ કેલેમિટી કન્ટિજન્ટ ડ્યૂટી (NCCD) પર વધારો કરીને એક્સાઈઝ ડ્યૂટી વધારવાનું સૂચન જરૂર કર્યું છે, પરંતુ બીડીઓ પરની ડ્યૂટીના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. NCCD એ એક્સાઈઝ ડ્યૂટી પરનો સરચાર્જ છે. ભારતમાં સિગારેટની માર્કેટ 12 અબજ ડોલરની છે.