ટાટા ગ્રુપ ભારતમાં બનાવશે આઈફોન

મુંબઈઃ ટાટા ગ્રુપે તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની વિસ્ટ્રોનની ભારતમાંની બિઝનેસ કામગીરીઓ 12.5 કરોડ ડોલર (આશરે રૂ. 1,040 કરોડ)માં હસ્તગત કરી લીધો છે. આને પગલે ગ્રુપ ભારતમાં એપલ કંપનીના આઈફોનનું ઉત્પાદન કરશે અને એસેમ્બ્લિંગ કરશે. તે આઈફોન ભારતમાં તેમજ વૈશ્વિક બજારોમાં વેચાશે. આ સાથે ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરનાર ટાટા ગ્રુપ ભારતની પહેલી કંપની બની છે.

આ જાણકારી કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. એમણે લખ્યું છે કે અઢી વર્ષની અંદર ટાટા ગ્રુપ ભારતમાં આઈફોન બનાવવાનું શરૂ કરશે જે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે મૂકાશે.