એક્સિસ બેન્ક પર રૂ. 5100 કરોડના કૌભાંડનો સ્વામીનો આરોપ

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બેન્ક એક્સિસ બેન્ક પર રૂ. 5100 કરોડના કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ સમાચાર પછી બેન્કના શેરોમાં બે ટકાનો કડાકો બોલી ગયો હતો. આ શેર 52 સપ્તાહના રૂ. 1151ની ઊંચાઈથી પટકાઇને 52 સપ્તાહની નીચલી સપાટીએ રૂ. 814.25એ પહોંચ્યો હતો.

એક્સિસ બેન્ક પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રૂ. 5100 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેમણે દિલ્હી હાઇકોર્ટમાં જવાનું વલણ અપનાવ્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે એક્સિસ બેન્કે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના શેરોમાં ટ્રાન્ઝેક્શનના માધ્યમથી ખોટો લાભ કમાયો છે. તેમણે કોર્ટથી ટ્રાન્ઝેક્શનના નિષ્ણાતોની એક કમિટીથી તપાસની માગ કરી છે.  

તેમણે કહ્યું હતું કે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસે છેતરપિંડીથી મેક્સ લાઇઝ શેરધારકો-એક્સિસ સિક્યોરિટીઝ લિ અને એક્સિસ કેપિટલ લિ.ને ખોટી રીતે લાભ કમાવાની મંજૂરી આપી હતી. આ કંપનીઓએ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)ના નિર્દેશોનું ઉલ્લંઘન કરતાં બિનપારદર્શી રીતે ઇક્વિટી શેરોની લે-વેચ કરી હતી.

તેમણે કહ્યું હતું કે એક્સિસ બેન્ક ગ્રુપની કંપનીઓએ મેક્સલાઇફ ઇન્શ્યોરન્સમાં 12.02 ટકા હિસ્સો રૂ. 31.51થી રૂ. 32.12 શેરદીઠના હિસાબે કુલ રૂ. 736 કરોડમાં ખરીદી હતી, જે બજાર કિંમતથી ઓછી છે. IRDAIએ પણ ખોટાં નિવેદનોને લીધે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પર રૂ. ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો, જે છેતરપિંડીની તુલનામાં ઘણો ઓછો હતો.