નવી દિલ્હી– શેરડીના ખેડૂતો અને ખાંડ મિલોને રાહત આપતાં કેન્દ્ર સરકારે 8000 કરોડના પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્રીય અનાજ પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને કેબિનેટની બેઠકમાં લેવાયલ નિર્ણય અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ પેકેજમાં 1175 કરોડ રૂપિયા ખાંડ મિલોને સ્ટોક રાખવા સામે અવેજમાં આપવામાં આવશે. ખાંડ મિલોને સહાય કરીશું તો તેઓ ખેડૂતોને તેઓ ઊંચી રકમ ચુકવી શકશે.
રામવિલાસ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે ખાંડની અમારી દર વર્ષે 250 લાખ ટનની જરૂરિયાત છે.પણ તે ઉપરાંત આ વર્ષે અંદાજે 315 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે. તેમજ પાછલા વર્ષનો 39 લાખ ટનનો સ્ટોક પડ્યો છે. આમ આપણી પાસે ખુબ મોટી માત્રામાં સરપ્લસ છે. આને કારણે જ ખાંડના ભાવ નીચા રહ્યા છે. ખાંડનો ભાવ હાલ રૂપિયા 26થી 28 ચાલી રહ્યો છે. હવે સમસ્યા એ છે કે વિદેશમાં ખાંડનો ભાવ રૂપિયા 24-25 છે, જેથી વિદેશમાં એક્સપોર્ટ પણ કરી શકાય તેમ નથી.
આવી સ્થિતીમાં ખાંડ મિલના માલિકોના કહેવા પ્રમાણે જો અમે પડતર ભાવે ખાંડ વેચીશું તો અમે ખેડૂતોને શુ ચુકવી શકીશું. ત્યારે આપણે સાથે મળીને રસ્તો શોધવો પડશે. અગાઉ અમને પેકેજ આપવામાં આવ્યું હતું, તેમાં 5 રૂપિયા 50 પૈસા પ્રતિ કવિન્ટલ સબસિડી અપાતી હતી. તે અનુસાર અમને રૂપિયા 1540 કરોડ આપવામાં આવ્યા છે. હવે ખાંડ મિલ માલિકોને સ્ટોક રાખવાનું કહેવામાં આવશે. અને તેની ભરપાઈ સરકાર કરશે. હાલ અમે 30 લાખ ટન ખાંડનો બફર સ્ટોક રાખવાનો નિર્ણય કર્યો છે. આ ખાંડ, મિલો પોતાના ગોડાઉનમાં રાખશે, અને તેમને ખાંડ સ્ટોકમાં રાખવાના અવેજમાં રૂપિયા 1175 કરોડ આપશે.