શેરબજારમાં લાલચોળ તેજીઃ સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ

અમદાવાદઃ સ્થાનિક શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં અને જુલાઈ કોન્ટ્રેક્ટના પ્રારંભે શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ પહેલી વાર 64,000 અને 19,000ની ઉપર બંધ આવ્યા છે. BSE સેન્સેક્સ 803.14 પોઇન્ટ ઊછળીને 64,718.56ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 216.95 પોઇન્ટ ઊછળી 19,189.05ના મથાળે બંધ થયો હતો. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 1400 પોઇન્ટ ઊછળીને 64,400ને પાર પહોંચ્યો હતો.

સ્થાનિક શેરબજારોમાં આગઝરતી તેજી થઈ હતી. આઇટી ઇન્ડેક્સ 2.5 ટકા, PSU બેન્ક ઇન્ડેક્સ બે ટકા, ઓટો અને કેપિટલ ગુડેઝ ઇન્ડેક્સ બે-બે ટકા વધીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ લાવ-લાવ હતું.

બજારમાં તેજીની વચ્ચે BSE પર 3648 શેરોમાં સોદા પડ્યા હતા, જ્યારે 1548 શેરોમાં  ઘટીને બંધ થયા હતા. આ સિવાય 138 શેરો સ્થિર રહ્યા હતા, જ્યારે 199 સ્ટોક્સ એક વર્ષની ઊંચાઈએ અને 34 શેરો એક વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 185 શેરોએ ઉપલી સરકિટ બનાવી હતી, જ્યારે 11 શેરોએ લોઅર સરકિટ બનાવી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 2,96,48,118.86 કરોડે પહોંચ્યું હતું. જ્યારે ગઈ કાલનું માર્કેટ કેપ રૂ, 2,94,11,131.69 કરોડ હતું. આમ રોકાણકારોની અસ્કયામતોમાં રૂ. 2,37 લાખ કરોડનો વધારો થયો હતો.

ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારોએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ ચાલુ નાણાકીય વર્ષમાં શેરબજારમાં 10 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.