FY24ના છેલ્લા સેશનમાં શેરબજારમાં તેજીઃ નિફ્ટી 22,300ને પાર

અમદાવાદઃ નાણાકીય વર્ષ 2024ના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સમાં 655 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી ઊછળીને 22,300ની ઉપર પહોંચ્યો હતો. BSEના બધા સેક્ટર વધીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.27 લાખ કરોડનો વધારો થયો હતો.

મધ્યસ્થ બેન્કે હાલમાં ધિરાણકર્તા મૂડીરોકાણકર્તાઓ માટે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIFs) માટે નિયમો હળવા કર્યા હતા, જેથી પણ શેરોમાં તેજી થઈ હતી.નાણાકીય વર્ષમાં કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામો, સરકાર દ્વારા ઊંચા મૂડીરોકાણ, મજબૂત સ્થાનિક આર્થિક ગ્રોથ અને સાનુકૂળ નાણાકીય નીતિને કારણે દલાલ સ્ટ્રીટમાં આગઝરતી તેજી થઈ હતી, જેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં 20 ટકાથી વધુની તેજી થઈ હતી. વર્ષમાં BSE લિસ્ટેડ કંપનીઓના એમ કેપમાં રૂ. 125 લાખ કરોડનો વધારો થયો હતો.

બજારના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ શેરોમાં ધૂમ ખરીદી થઈ હતી. સેક્ટોરિયલ ફ્રન્ટમાં જોઈએ તો PSE, ફાર્મા અને ઓટો શેરોમાં તેજી થઈ હતી, જ્યારે મેટલ ઇન્ફ્રા, અને FMCG ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા.

BSE સ્મોલ કેપ ઇન્ડેક્સ કે જેમાં 1000 સ્મોલ કેપ શેરો સામેલ છે. નાણાકીય વર્ષ 2024માં આશરે આ શેરોનું માર્કેટ કેપ રૂ. 26 લાખ કરોડથી વધીને રૂ. 66 લાખ કરોડ થયું હતું.આશરે 252 સ્મોલકેપ શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું હતું. આમ નાણાકીય વર્ષ 2024માં સ્મોલ કેપ શેરોની મદદથી રોકાણકારોએ આશરે રૂ, 26 લાખ કરોડનું વળતર મેળવ્યું હતું.