અમદાવાદઃ વર્ષ 2022 પૂરું થયું છે અને નવું 2023 શરૂ થવામાં છે. શેરબજારની દ્રષ્ટિએ વર્ષ 2022 ઘણું નોંધપાત્ર રહ્યું છે. વર્ષ 2022માં છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરમાર્કેટ ઘટીને બંધ રહ્યું હતું. જોકે વર્ષ 2022માં સેન્સેક્સ અને નિફ્ટીએ રોકાણકારોને નોંધપાત્ર વળતર આપ્યું છે. આ વર્ષે સેન્સેક્સ અને નિફ્ટીએ માર્કેટમાં ચાર ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
આ વર્ષે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. કોરોના વાઇરસ, રશિયા-યુક્રેન યુદ્ધ, ફેડરલ રિઝર્વના વ્યાજદર, રેપો રેટ, ફ્યુઅલની કિંમતો વગેરેને કારણે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આ વર્ષે સેન્સેક્સે 4.44 ટકા અને નિફ્ટીએ 4.32 ટકા રિટર્ન આપ્યું છે.
આ વર્ષે સેન્સેક્સ 2587 (4.44 ટકા) વધ્યો હતો, જ્યારે નિફ્ટી 751 પોઇન્ટ (4.32 ટકા) ઊછળ્યો હતો. આ સિવાય વર્ષ 2022માં સેન્સેક્સ અને નિફ્ટી 50 ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. એક ડિસેમ્બરે સેન્સેક્સ 63,583.07 પોઇન્ટની ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે 17 જૂને એ 52 સપ્તાહના સૌથી નીચલા સ્તર 50,921 પોઇન્ટે પહોંચ્યો હતો. એ જ રીતે નિફ્ટી વર્ષ 2022માં 18,887.60એ પહોચ્યો હતો, જ્યારે નિફ્ટી 52 સપ્તાહની 15,183.40ની નીચલી સપાટી બનાવી હતી.
જોકે રોકાણકારોની દ્રષ્ટિએ 2022 સારું રહ્યું હતું, કેમ કે રોકાણકારોની સંપત્તિમાં આ વર્ષે રૂ. 16.36 લાખ કરોડનો વધારો થયો હતો. ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને ફુગાવાની ચિંતાઓ છતાં શેરબજાર આ વર્ષે નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.