નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ચેપ ડામવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. હવે તે વિમાન પ્રવાસ માટે મોબાઈલ ફોનમાં ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે.
એક અહેવાલ અનુસાર, જે વ્યક્તિઓની ‘આરોગ્ય સેતુ’ એપ ‘ગ્રીન’ નહીં હોય એમને એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે.
મોબાઈલ ફોનમાંના બ્લૂટૂથ અને લોકેશન ફીચર્સનો ઉપયોગ કરીને કોરોનાવાઈરસના સંપર્કના જોખમથી ફોનધારકને વાકેફ કરવામાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે ગઈ બીજી એપ્રિલે ‘આરોગ્ય સેતુ’ એપ લોન્ચ કરી હતી.
આ એપનો ઉપયોગ કરીને લોકો આ જીવલેણ વાઈરસથી અસરગ્રસ્ત કોઈ વ્યક્તિ પોતાની નજીકમાં હોય તો એ વિશે સત્તાવાળાઓને એલર્ટ પણ કરી શકે છે.
દેશભરમાં કોરોના વાઈરસ-વિરોધી લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. તો કેટલાક રાજ્યોમાં દ્વારા વધારાની છૂટછાટ સાથે ધંધા રોજગારને શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કમર્શિયલ વિમાન સેવાને 31 મે સુધી સસ્પેન્ડ રાખવામાં આવી હોવા છતાં કેટલીક એરલાઇન કંપનીઓએ જૂનથી ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. આની સામે કેન્દ્રનના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરી સખત નારાજ થયા છે.
હરદીપ સિંહ પુરીએ એક નિવેદનમાં કહ્યું છે કે, એરલાઈન્સ કંપનીઓએ લોકડાઉન અંગેના નિયમો તોડીને એડવાન્સ ટિકિટ બુકિંગ શરુ કર્યું છે. જોકે ભારતીય રેલવેએ આની શરુઆત કરી દીધી છે હવે અમે પણ ટુંક સમયમાં એરલાઈન્સોને લીલી ઝંડી આપીશું.
સૂત્રના જણાવ્યા અનુસાર ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ જૂનથી પોતાની ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. તો સ્પાઇસજેટે 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ કર્યું હોવાની પણ ચર્ચા છે.
ઈન્ડિગો અને વિસ્તારાના સૂત્રોએ જણાવ્યું કે બંને કંપનીઓ ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ કરી રહી છે. જોકે, બુકિંગ શરૂ કરવા માટે સ્પાઇસજેટ, ઇન્ડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સોમવારે ભારતીય હવાઈ યાત્રી એસોસિએશન (APAI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા માટે કેટલીક એરલાઇન્સ કંપનીઓની ટીકા કરી છે.
સુધાકર રેડ્ડીએ ટ્વિટમાં કહ્યું કે, આ કંપનીઓને એવું લાગી રહ્યું છે કે 1 જૂનથી સંચાલન શરૂ થઈ જશે એટલા માટે બુકિંગ શરુ કર્યું છે પણ મહેરબાની કરી તેના ચક્કરમાં ન પડો. આપના પૈસા જતા રહેશે, તમારા પૈસાને તમારી પાસે સુરક્ષિત રાખો. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના કારણે લાગુ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન 25 માર્ચથી બંધ થયેલી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આગામી 31 મે સુધી બંધ રહેશે. જોકે, 31 મે પછી સંચાલન શરૂ કરવાના સંબંધમાં સરકાર તરફથી કોઈ દિશા-નિર્દેશ જાહેર નથી કરવામાં આવ્યા.
