લોકડાઉન 2.0 ની આશંકાએ સેન્સેક્સ 470 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. લોકડાઉન પાર્ટ ટૂની આશંકાએ શેરબજારમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. વડા પ્રધાન  નરેન્દ્ર મોદી આવતી કાલે 10 વાગ્યે દેશને સંબોધિત કરવાના છે. દેશમાં કોરોના વાઇરસના વધતા કેસને જોતાં લોકડાઉન વધારવાનું એલાન કરે એવી શક્યતા છે. દેશનાં છ-સાત રાજ્યો લોકડાઉનની જાહેરાત પહેલેથી કરી ચૂક્યાં છે. જેથી સેન્સેક્સ 470 પોન્ટ તૂટીને 30,690ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ઇન્ડેક્સ પણ 118 તૂટીને  8,994 પર બંધ આવ્યો હતો. આમ સેન્સેક્સે 31,000 અને નિફ્ટીએ મહત્ત્વની એવી 9,000ની સપાટી તોડી હતી.

નિફ્ટીના 11માંથી નવ ઇન્ડેક્સ મંદીમાં

સેન્સેક્સના 30માંથી 23 શેરો નરમાઈ સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટી 50ના 30 શેરો નરમ બંધ થયા હતા. વળી, નિફ્ટીના 11માંથી નવ ઇન્ડેક્સમાં મંદી થઈ હતી. ઓટો ઇન્ડેક્સ આશરે અઢી ટકા તૂટ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1.92 ટકા તૂટીને 19,534ના સ્તરે બંધ આવ્યો હતો. ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ 2.93 ટકા તૂટ્યો છે, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ ચાર ટકા તૂટ્યો હતો. મિડકેપ અનમે ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ પણ ત્રણ-સાડાત્રણ ટકા ઘટ્યા હતા. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ નરમાઈ સાથે બંધ થયા હતા.

જોકે નિફ્ટી ફાર્મા ત્રણ ટકા અને મેટલ ઇન્ડેક્સ બે ટકા તેજી સાથે બંધ થયા હતા.   

સ્ટોક સ્પેસિફિક જોઈએ તો  ઝી એન્ટરટેઇનમેઇન્ટ, બજાજ ફિનસર્વ, એમ  એન્ડ એમ, ટાઇટન, વિપ્રો, હીરો મોટોકોર્પ, આઇસીઆઇસીઆઇ બેન્ક, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રામાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ એલ એન્ડ ટી સાડા છ ટકા અનમે હિન્ડાલ્કોએ છ ટકાની છલંગ લગાવી હતી. આ ઉપરાંત ભારતી એરટેલ, અદાણી પોર્ટ, ડો. રેડ્ડીઝ લેબૂ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઇન્ડિયા, ગ્રાસિમ, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને શ્રીસિમેન્ટમાં સૌથી વધુ તેજી થઈ હતી.