અમદાવાદઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ટેન્શનને કારણે યુદ્ધ વકરવાની દહેશતે રોકાણકારોએ શેરોમાં સાવચેતીરૂપે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી- બંને ઇન્ડેક્સ એક ટકોથી વધુ તૂટ્યા હતા, જેનાથી રોકાણકારોએ એક દિવસમાં રૂ. 4.56 લાખ કરોડનું નુકસાન થયું હતું. BSE મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ક્રમશઃ 1.19 ટકા અને 0.58 ટકા ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ રિયલ્ટી શેરોમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી રિયલ્ટી 3.5 ટકાથી વધુ તૂટ્યો હતો.
ઇઝરાયેલે હમાસના વડાને ઇરાનમાં મારી નાખ્યા પછી ઇરાને ધમકી આપતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધ ઔર વકરવાની ભીતિ છે. આ ઉપરાંત જો આ યુદ્ધ ખેંચાયું તો US ફેડ દ્વારા સપ્ટેમ્બરમાં કરાનારો સંભવિત વ્યાજદર ઘટાડો હાલપૂરતો ટાળી દેવામાં આવશે, જેને પગલે સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં સાર્વત્રિક વેચવાલી કરી હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 885.59 પોઇન્ટ તૂટીને 80,981.95ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 293.20 પોઇન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4033 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 1718 શેરો તેજી સાતે બંધ થયા હતા, જ્યારે 2197 શેરો ઘટીને બંધ થયા હતા. આ સાથે 118 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 264 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી અને 27 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી સર કરી હતી.