મુંબઈઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ 889 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 17,000ની સપાટીની નીચે સરક્યો હતો. આ ઉપરાંત વિવિધ દેશોની કેન્દ્રીય બેન્કોએ ધિરાણ નીતિનું વલણ આકરું કર્યાના અને કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના વધતા કેસોને જોતાં રોકાણકારો શેરોમાં ભારે વેચવાલી કરી હતી. ટ્રેડર્સના જણાવ્યા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ સતત વેચવાલી જારી રાખતાં ઘરેલુ શેરબજારો પર દબાણ પડ્યું હતું.
ઘરેલુ શેરબજારોમાં ભારે ઘટાડાને લીધે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.65 લાખ કરોડનું ધોવાણ થયું હતું.
BSE સેન્સિટિવ ઇન્ડેક્સ 889.40 તૂટીને 57,011.74ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 263.20 પોઇન્ટ તૂટીને 16,985.20ના મથાળે બંધ રહ્યો હતો.
ઘરેલુ શેરબજારોમાં બેન્કિંગ શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી. આ સાથે મિડિયા રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.
યુરોપિયન સેન્ટ્રલ બેન્કે સંકટ દરમ્યાન પ્રોત્સાહન પેકેજને પરત લેવાનું એલાન કર્યું હતું. જોકે હાલમાં બેન્કે નીચા દર જાળવી રાખવાની ઘોષણા કરી હતી. બીજી બાજુ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે રોગચાળા પછી સૌપ્રથમ વાર મુખ્ય વ્યાજદરોમાં વધારો કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. બજારમાં આઇટી સિવાયના તમામ સેક્ટરના ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા.
ઓમિક્રોન સંક્રમણના વધતા કેસો, ફુગાવાની ચિંતા અને ધિરાણ નીતિ આકરી કરવાના સંકેતો ભારત સહિત વૈશ્વિક બજારોમાં હાલમાં ઉતાર-ચઢાવ વધ્યા છે, એમ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ઇક્વિટી રિસર્ચના વડા શિવાની કુરિયને કહ્યું હતું. આ સપ્તાહે સેન્સેક્સ 1775 પોઇન્ટ અને નિફ્ટીમાં 526 પોઇન્ટનો ઘટાડો થયો હતો.