અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે નરમાઈ રહી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ અહેવાલો અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા સાવચેતીના વાતાવરણ વચ્ચે તેજીવાળા ખેલાડીઓએ દરેક ભાવે વેચવાલી ચાલુ રહી હતી. આજે તો મંદીવાળાઓએ પણ નવી વેચવાલી કાઢી હતી. મેટલ, ફાર્મા અને ઓટો સેકટરના શેરોના ભાવ ઝડપી ગગડ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 187.76(0.53 ટકા) ઘટી 34,915.38 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 61.40(0.57 ટકા) ઘટી 10,618.25 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હોવા છતાં ભારતીય શેરોના ભાવ સામાન્ય સુધારા સાથે ખુલ્યા હતા. પણ તેજીના નવા કારણોનો અભાવ હતો. જેને પરિણામે તેજીવાળા અને મંદીવાળાઓએ વેચવાલી કાઢી હતી. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી ફરી વળી હતી. અમેરિકાની ફેડરલ રીઝર્વે આ વખતે વ્યાજદરમાં વધારો કર્યો નથી, પણ આગામી મહિને વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે. તેમજ આરબીઆઈ પણ ભારતમાં વ્યાજદરમાં સામાન્ય ફેરફાર કરે તેવી શકયતા છે. જેથી ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. ભારતીય શેરોમાં ઊંચા મથાળે વેચવાલી આવી હતી. નિફટી 10,700ની ઉપર ટકી શકી ન હતી.
- ગુરુવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 148 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 578 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
- ભારતી એરટેલ આફ્રિકાનો બિઝનેસને શેરબજારમાં લિસ્ટ કરાવતી વખતે 25 ટકા હિસ્સેદારી વેચીને 1.5 અબજ ડૉલર સુધીની રકમ એકઠી કરવાની યોજના બનાવી છે, આ સમાચારથી ભારતી એરટેલના શેરમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
- જે કુમાર ઈન્ફ્રાને પુનાનો મેટ્રો પ્રોજેક્ટનો રૂપિયા 445 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ સમાચારથી જે કુમાર ઈન્ફ્રાના શેર 2.5 ટકા વધ્યો હતો.
- નરમ બજારમાં આજે શુક્રવારે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને બેંક શેરોમાં નવી લેવાલીથી તેજી હતી.
- રોકડાના શેરોમાં વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 58.35 માઈનસ બંધ હતો.
- બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 44.51 ઘટ્યો હતો.
- સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ અદાણી પોર્ટ્સ(2.83 ટકા), ગેઈલ(2.04 ટકા), ટેક મહિન્દ્રા(1.49 ટકા), એચડીએફસી બેંક(1.05 ટકા) અને એચયુએલ(0.83 ટકા).
- સૌથી વધુ ગગડેલા શેરઃ સન ફાર્મા(3.37 ટકા), બજાજ ઓટો(2.91 ટકા), આઈટીસી(2.75 ટકા), યસ બેંક(2.50 ટકા) અને એક્સિસ બેંક(2.46 ટકા).