અમદાવાદઃ દિવાળીના સપ્તાહનો પ્રારંભ તેજી સાથે થઈ હતી. સેન્સેક્સ એક તબક્કે ઇન્ટ્રા-ડેમાં 1000 સુધી ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી વધીને 24,400ને પાર થયો હતો. બેન્કિંગ, મેટલ, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ તેજી સાથે બંધ આવ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો.
છેલ્લાં પાંચ સેશન પછી દિવાળી સપ્તાહનો તેજી સાથે પ્રારંભ થયો હતો. ગયા સપ્તાહે FIIએ કેશ સેગમેન્ટમાં ભારે વેચવાલી કરી હતી. FIIએ આ મહિને રૂ. એક લાખ કરોડની વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ 603 પોઇન્ટ ઊછળી 80,005.04ના મથાળે બંધ આવ્યો હતો અને નિફ્ટી 158.40 વધી 24,339.20ની સપાટીએ બંધ રહ્યો હતો. મધ્ય-પૂર્વમાં ઇઝરાયેલ તરફથી ઇરાન પર સીમિત હુમલાને કારણે રોકાણકારોની ચિંતા ઘટી છે, જેથી બજાર સેન્ટિમેન્ટ સુધર્યું હતું. આ સાથે ઇઝરાયેલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામની સંભાવના પણ વધી હતી. આ ઉપરાંત વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં કિંમતોમાં સ્થિરતા રહેતાં પણ સેન્ટિમેન્ટ સુધારાતરફી થયું હતું. આ સાથે ઓક્ટોબર એફ એન્ડ ઓ સેગમેન્ટમાં એક્સપાયરી નજીકમાં હોવાથી વેચાણો પણ કપાયાં હતાં.
બજારમાં 27 સપ્ટેમ્બરથી આવેલા ઘટાડામાં છેલ્લા એક મહિનામાં રૂ. 40 લાખ કરોડ ડૂબ્યા છે. આ સમયગાળામાં નિફ્ટી અને સેન્સેક્સ એના ટોચથી આઠ ટકા, બેન્ક નિફ્ટી સાત ટકા, મિડકેપ 100 ઇન્ડેક્સ નવ ટકા અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ આઠ ટકા તૂટી ચૂક્યા છે.
BSE એક્સચેન્જ પર કુલ 4198 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2470 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1375 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 151 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 224 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 223 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.