સેન્સેક્સ 49,000ને પારઃ બે સેશનમાં 1175-પોઇન્ટનો ઉછાળો

મુંબઈઃ સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી સતત 11મા દિવસે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા ત્રણ સપ્તાહમાં સેન્સેક્સ દરેક સોમવારે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટીએ 14,498.20નો અને સેન્સેક્સે 49,303.80નો નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 487 પોઇન્ટ ઊછળીને 49,269ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 137 પોઇન્ટ ઊછળીને 14,485 પર બંધ થયો છે. જોકે નિફ્ટી બેન્ક 85 પોઇન્ટ ઘટીને 31,999 પર બંધ થયો હતો. મિડકેપ 54 પોઇન્ટ ઘટીને 22,140ના મથાળે બંધ થયો હતો. સોમવારે 257 કંપનીઓના શેરો 52 સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યા હતા.  

વિદેશી શેરબજારોમાં મજબૂત સંકેતોને લીધે સ્થાનિક શેરબજારોના સેન્ટિમેન્ટ પર સારી અસર પડી છે. દેશમાં રસીકરણ 16 જાન્યુઆરીથી પ્રારંભ થશે. ત્રીજા ત્રિમાસિક ગાળાના પ્રોત્સાહક પરિણામોની અપેક્ષાએ શેરબજામાં તેજીની આગેકૂચ રહી હતી. વળી, અમેરિકામાં ટૂંક સમયમાં નવું રાહત પેકેજ જાહેર થવાનું છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1175 પોઇન્ટ ઊછળ્યો છે. 21 ડિસેમ્બર પછી સેન્સેક્સ આશરે 4000 પોઇન્ટ છલાંગ લગાવી છે.

મુંબઈ શેરબજારમાં આઇટી અને ઓટો શેરોમાં જોરદાર તેજી હતી. એની સાથે એફએમસીજી અને ફાર્મા શેરોમાં તેજી હતી, પણ મિડિયા અને સરકારી બેન્કોમાં અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ હતું. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી-50 ઇન્ડેક્સ પર 31 શેરો તેજીમાં હતી, જ્યારે 19 શેરોમાં મંદી હતી. સેન્સેક્સમાં 20 શેરોમાં તેજી હતી, જ્યારે 10 શેરોમાં મંદી હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]