બર્ડ ફ્લુથી પક્ષીનાં મરણ, મરઘાંઉછેર ઉદ્યોગને ફટકો

મુંબઈઃ દેશના અનેક ભાગોમાં બર્ડ ફ્લુ અથવા એવિએન ઈન્ફ્લુએન્ઝા રોગચાળો ફેલાયો છે અને તેના કેટલાક કેસ મુંબઈમાં પણ નોંધાયા છે. આ મહાનગર અને પડોશના થાણેમાં બર્ડ ફ્લુથી જુદા જુદા પક્ષીઓના મરણ નિપજ્યા હોવાના કેસ બન્યા છે. આને કારણે શહેરમાં મરઘાં-બતકાં ઉછેર કેન્દ્રોના ઉદ્યોગ પર માઠી અસર પડી છે.

માંસાહારી ગ્રાહકો ચીકન ખરીદતા ગભરાય છે. તેઓ ચીકન વેચનારાઓને બર્ડ ફ્લુ વિશે સતત પૃચ્છા કરે છે, એમ એક વેપારી-ફેરિયાનું કહેવું છે. જોકે મહારાષ્ટ્રના પશુપાલન વિભાગના સેક્રેટરી અનૂપ કુમારનું કહેવું છે કે ઈંડા કે ચીકન ખાવું અત્યંત સુરક્ષિત છે, કારણ કે રાંધતી વખતે જે તાપમાન આપવું પડે એમાં આ વાઈરસ ટકી શકતો નથી. તેથી બર્ડ ફ્લુથી માનવીઓને ચેપ લાગશે એ વિશે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મરઘાં-ઉછેર કેન્દ્રોમાં સુરક્ષાને લગતા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને જંગલી પક્ષીઓ સાથે તેમનો કોઈ સંપર્ક હોતો નથી.