મહારાષ્ટ્ર સરકારે ફડણવીસ, રાજ ઠાકરેની સુરક્ષા ઘટાડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણયની ભાજપે ટીકા કરી છે. જ્યારે સરકારનું કહેવું છે કે આ નિયમિત પ્રકારની સમીક્ષા છે.

નવી સુરક્ષા વ્યવસ્થા અનુસાર, ફડણવીસની સુરક્ષાને Z+ કેટેગરીથી ઘટાડીને Y+ કરવામાં આવી છે. ફડણવીસના સુરક્ષા કાફલામાંથી હવે બુલેટ-પ્રૂફ વાહનને હટાવી લેવામાં આવશે. એવી જ રીતે, ફડણવીસના પત્ની અમૃતા માટેની સુરક્ષા વ્યવસ્થા પણ Y+થી ઘટાડીને X કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેની Z કેટેગરીની સુરક્ષાને ઘટાડીને Y+ કરવામાં આવી છે.