ડિસેમ્બર સિરીઝના પ્રારંભે સેન્સેક્સ 760, નિફ્ટી 24,100ને પાર

અમદાવાદઃ ડિસેમ્બર સિરીઝના પહેલા દિવસે ઘરેલુ શેરબજારોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકો જેટલા વધ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.49 લાખ કરોડનો વધારો થયો હતો.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.38-2.35 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.29 ટકા વધીને 52,055.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો હતો. જ્યારે સેન્સેક્સ 759.05 પોઇન્ટ ઊછળી 79,802ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 216.95 પોઇન્ટ ઊછળી 24,131.10ના મથાળે બંધ રહ્યો હતો.

ડિસેમ્બર સિરીઝના પ્રથમ દિવસે તેજીવાળાઓએ પસંદગીના શેપોમાં લોન્ગ પોઝિશન ઊભી કરી હતી. આ સાથે બજારમાં કંપનીઓનાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો પર નજર રહેશે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક વ્યાજદર અંગે શો નિર્ણય લેશે, એના પર બજારની નજર રહેશે.

BSE એક્સચેન્જ પર કુલ 4050 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2334 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1623 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 93 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 190 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 24 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.