સેમસંગ 200થી વધુ કર્મચારીઓની છટણી કરશે

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં સેમસંગનાં વેચાણમાં ઘટાડો થઈ રહ્યો અને એ 10 વર્ષમાં સૌથી નબળી સ્થિતિમાં છે. જોકે આની સીધી અસર કર્મચારીઓ પર પડશે. કંપની ભારતમાંના કર્મચારીઓમાંથી 20 ટકાની છટણી કરે, એવા અહેવાલ છે.

કંપની સેલ્સ, માર્કેટિંગ અને ઓપરેશન્સમાં કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. એક સૂત્રએ જણાવ્યું હતું કે સેમસંગના સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસનું માળખું બદલાઈ રહ્યું છે. આ કારણે કંપનીના કેટલાક મુખ્ય અધિકારીઓ પણ વિદાય લઈ શકે છે. કંપનીએ અત્યારે ભરતી કરવાનું બંધ કરી દીધું છે અને એક્ઝિક્યુટિવ્સની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી નથી. સેમસંગ ઓફ-રોલ કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે.

બીજી બાજુ, ચેન્નાઈસ્થિત કંપનીના મેન્યુફેક્ચરિંગ એકમમાં કામદારો અનિશ્ચિત સમયની હડતાળ પર છે અને તેનો ત્રીજો દિવસ છે. આ હડતાળને કારણે તહેવારોની સીઝન પહેલાં ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનના ઉત્પાદનને અસર થઈ રહી છે. સેમસંગના મેનેજમેન્ટે પરિસ્થિતિ અને પુનર્ગઠન અંગે ચર્ચા કરવા માટે ભારતીય ટીમને દક્ષિણ કોરિયા બોલાવી છે.

ગયા વર્ષે શાઓમીને પછાડીને સેમસંગ ફરી એક વાર 2023માં ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની રહી. જોકે માર્કેટ રિસર્ચ ફર્મ IDC કાઉન્ટરપોઈન્ટ અને કેનાલિસના જણાવ્યા અનુસાર કંપની એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિકમાં વોલ્યુમની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. આ સમયગાળામાં કંપનીના સ્માર્ટફોન શિપમેન્ટમાં 15.4 ટકાનો ઘટાડો થયો હતો, જે તેનો સતત ત્રીજો ત્રિમાસિક ઘટાડો થયો હતો. આને કારણે IDC ડેટા અનુસાર ત્રિમાસિક ધોરણે મૂલ્ય બજારહિસ્સો પણ 23 ટકાથી ઘટીને 16 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉ 21 ટકા હતો.