મુંબઈઃ બીએસઈ એસએમઈમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા સાડાત્રણસોનો આંક વટાવી ગઈ અને લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા 353 કંપનીઓની થતાં બીએસઈ ખાતે તેની ઉજવણીનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેના અધ્યક્ષ સ્થાને મહારાષ્ટ્ર રાજ્યના ઉદ્યોગ અને ખાણકામ પ્રધાન સુભાષ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બીએસઈના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણ અને બીએસઈ એસએમઈના હેડ અજય ઠાકુર ઉપરાંત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
બીએસઈ એસએમઈ પર 352મી કંપની તરીકે સેમોર રિયલ્ટી લિમિટેડ અને 353મી કંપની તરીકે આદિશક્તિ લોહા એન્ડ ઈસ્પાત લિમિટેડ લિસ્ટેડ થઈ છે.
બીએસઈ એસએમઈ પરથી અત્યાર સુધીમાં કંપનીઓએ રૂ3731.81 કરોડ એકત્ર કર્યા છે, જેનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન હાલ રૂ.39,437.28 કરોડ છે. 115 કંપનીઓ વિકાસ કરીને બીએસઈના મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે.
બીએસઈની ઓર એક સિદ્ધિ એ રહી છે કે બીએસઈ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સની સંખ્યા 12 થઈ છે. તાજેતરમાં 12મી કંપની સીડબલ્યુડી લિમિટેડ આ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ છે. અત્યાર સુધીમાં 12 લિસ્ટેડ કંપનીઓ દ્વારા બીએસઈ સ્ટાર્ટઅપ્સ પરથી રૂ.56.63 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.150.57 કરોડ છે.