વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારતનું: IMF   

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 9.5 ટકાના દરે થશે અને આગામી નાણાકીય વર્ષમાં 8.5 ટકાના વિકાસદરની સાથે વિશ્વનું સૌથી ઝડપી વધતું અર્થતંત્ર ભારતું હશે, એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે (IMFએ) અંદાજ માંડ્યો છે. જોકે IMFએ વૈશ્વિક ગ્રોથ માટે આ વર્ષનો અંદાજ ઘટાડ્યો હતો. IMFએ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO)માં ભારત માટે જુલાઈમાં કરવામાં આવેલા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો હતો. ભારતીય અર્થતંત્ર ગયા નાણાકીય વર્ષમાં 7.3 ટકા સુધી સંકોચાયું હતું. જુલાઈમાં ભારત કોરોના રોગચાળાની બીજી લહેરની ચપેટમાં હતું. જોકે IMFએ રોગચાળા પહેલાં  એપ્રિલમાં મૂકેલા અંદાજ 12.5 ટકાના અંદાજમાં ત્રણ ટકાનો ઘટાડો કર્યો હતો.

જોકે IMFએ WEOમાં ભારતના GDP વિકાસદરના લાંબા ગાળના અંદાજોમાં વર્ષ 2026માં 6.1 ટકા રાખ્યો છે. વળી, WEOના રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ચીનનો GDP વૃદ્ધિદરનો અંદાજ આઠ ટકા અને આગામી વર્ષ માટે 5.6 ટકા રાખવામાં આવ્યો છે, જ્યારે બ્રિટન ચાલુ વર્ષે 6.8 ટકાના દરે બીજા સ્થાને છે અને એ પછીના ક્રમાંકે ફ્રાન્સ 6.5 ટકા તેમ જ અમેરિકા છ ટકા સાથે પાંચમા ક્રમાંકે છે.

વૈશ્વિક અર્થતંત્ર વર્ષ 2021માં 5.9 ટકાના દરે વિકસશે અને 2022માં 4.9 ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે જુલાઈના અંદાજોની તુલનાએ 0.1 ટકા ઓછો છે. IMFના વડા ગીતા ગોપીનાથે કહ્યું હતું કે વૈશ્વિક રિકવરી જારી છે પણ કોરોના રોગચાળાને લીધે એનો વેગ ધીમો છે.