નોએડા (ઉત્તર પ્રદેશ): રિલાયન્સ રીટેલ કંપનીની માલિકીની રોબોટિક્સ કંપની એડવર્બ ટેક્નોલોજીઝ આવતા પાંચ વર્ષમાં રૂ. 8,000 કરોડથી વધુની કમાણી કરવા ધારે છે. આ માટે તે એની ઉત્પાદન ક્ષમતાને વધારશે અને બજારના પાયાના લક્ષ્યમાં વિવિધતા લાવશે.
એડવર્બના સહ-સ્થાપક અને સીઈઓ સંગીત કુમારનું કહેવું છે કે એમની કંપની ગ્રેટર નોએડા સ્થિત તેના રોબોટ ઉત્પાદક પ્લાન્ટમાં રૂ. 500 કરોડનું તબક્કાવાર ઈન્વેસ્ટમેન્ટ કરશે. ઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ કંપની એક અબજ યૂએસ ડોલર (રૂ. 8,000 કરોડથી વધારે) કમાણી કરતી થઈ જશે એવી અમને આશા છે.
કંપનીએ હાલ તેના પ્લાન્ટમાં રૂ. 200 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. ફેક્ટરીનું ઉદઘાટન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગયા અઠવાડિયે કર્યું હતું.
કંપની હાલ વેરહાઉસ અને ફેક્ટરીઓ સહિતના ઔદ્યોગિક ગ્રાહકોને પોતાના ઉત્પાદનો પૂરા પાડે છે, પરંતુ આ વર્ષના અંત સુધીમાં તે હોસ્પિટલોમાં વાપરી શકાય એવા રોબોટ્સ પૂરા પાડવા ધારે છે.