નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં ઘટીને 5.02 ટકાના સ્તરે આવી ગયો છે, જે ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે છે. ઓગસ્ટમાં એ 6.83 ટકા હતો. જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 7.41 ટકા રહ્યો હતો. આ પહેલાં જુલાઈમાં રિટેલ મોંઘવારી દર 15 મહિનાના ઊંચા 7.44 ટકા સ્તરે પહોંચ્યો હતો. જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.87 ટકા હતો.
સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 6.5 ટકાના સ્તરે આવી ગયો હતો. એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં એ 9.94 ટકા હતો.રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. બીજા ત્રિમાસિક ગાળામાં એ 6.2 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 5.7 ટકા તથા ચોથા ત્રિમાસિક ગાળામાં 5.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. માસિક આધારે સપ્ટેમ્બરમાં શહેરી મોંઘવારી દર 6.59 ટકાથી ઘટીને 4.65 ટકા રહ્યો હતો. માસિક ધોરણે સપ્ટેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 26.14 ટકાથી ઘટીને 3.39 ટકા રહ્યો હતો.
સપ્ટેમ્બરમાં ફ્યુઅલ અને વીજળીનો મોંઘવારી દર 4.31 ટકાથી ઘટીને (-) 0.11 ટકા રહ્યો છે. સપ્ટેમ્બરમાં હાઉસિંગ દર 4.38 ટકાથી ઘટીને 3.95 ટકા રહ્યો છે.
ઓદ્યૌગિક ઉત્પાદન ઓગસ્ટમાં 10.3 ટકા વધ્યું
દેશમાં ઓદ્યૌગિક ઉત્પાદન (IIP) ઓગસ્ટમાં 10.3 ટકા વધ્યું છે, જેમાં ગયા વર્ષે આ મહિનામાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પહેલા પાંચ મહિનામાં એપ્રિલ-ઓગસ્ટમાં ઓદ્યૌગિક ઉત્પાદન 6.1 ટકાનો વધારો થયો છે.