નવી દિલ્હીઃ દેશના ટેલિકોમ માર્કેટમાં તહેલકો મચાવ્યા પછી રિલાયન્સ જિયોની નજર વિદેશી બજારો પર છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળ કંપની બ્રિટનના ટેલિકોમ ગ્રુપ BT પર બોલી લગાવવાની શક્યતા તપાસી રહી છે. આ પહેલાં બ્રિટિશ ટેલિકોમને નામે જાણીતી હતી.
રિલાયન્સે બે મહિના પહેલાં T-મોબાઇલના ડચ યુનિટને ખરીદવા માટે બોલી લગાવી હતી, જેમાં એપેક્સ પાર્ટર્નર્સ અને વોરબગ પિનક્સા પીએ કોન્સોર્શિયમે બાજી મારી લીધી હતી. અંબાણીએ હાલમાં લંડનમાં સ્ટ્રોક પાર્કને 5.7 કરોડ પાઉન્ડમાં ખરીદી હતી. હવે રિલાયન્સ BTનું હસ્તાંતરણ કરશે તો એ કોઈ પણ ભારતીય કંપનીનું વિદેશમાં સૌથી મોટું હસ્તાંતરણ અને વિલીનીકરણનો સોદો હશે.
BT ગ્રુપ FTSE 100 કંપની છે, જેનું હાલનું માર્કેટ કેપ 20.63 અબજ ડોલર છે. કંપનીએ જણાવ્યું હતું કે હાલ વાટાઘાટ પ્રારંભિક તબક્કામાં છે, અને એ જરૂરી નથી કે સોદો થાય જ, એમ સૂત્રોએ કહ્યું હતું. વળી, એ સ્પષ્ટ નથી કે અંબાણી અને BTના CEO ફિલિપ ડેન્સન અને પદ છોડનારા ચેરમેન જૈન ડુ પ્લેસિસ વચ્ચે મુલાકાય થઈ કે નથી. BT બ્રિટનમાં ફિક્સ્ડ લાઇન ટેલિકોમ સર્વિસિઝની ઓપરેટર છે. કંપનીએ હાલમાં ફાઇબર બ્રોડબેન્ડ, IP, TV ટેલિવિઝન અને સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ અને મોબાઇલ સર્વિસિસ આપે છે. કંપનીનો વેપાર 170થી વધુ દેશોમાં ફેલાયેલો છે. છેલ્લાં પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 53 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2020-21માં એ 11 વર્ષના નીચલા સ્તરે હતો. કંપનીના હસ્તાંતરણ વિશે રિલાયન્સે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.