કાયદેસર ચલણ તરીકે બિટકોઈન-ક્રિપ્ટોને માન્યતા નહીઃ સીતારામન

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્ર સરકાર વતી આજે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ક્રિપ્ટો સિક્કાઓને માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. લોકસભામાં એક લેખિત ઉત્તરમાં સીતારામને કહ્યું કે બિટકોઈન દ્વારા થયેલા સોદાઓની કોઈ ડેટા સરકાર ભેગી કરતી નથી. બિટકોઈનને ભારતમાં એક ચલણ તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ છે? એવા એક સવાલના જવાબમાં નાણાં પ્રધાને કહ્યું, ‘ના, સાહેબ.’

ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકતો ખરડો રજૂ કરવાની છે – ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યૂલેશન ઓફ ઓફિશ્યલ ડિજિટલ કરન્સી બિલ, 2021. આ ખરડામાં અમુક ખાનગી ક્રિપ્ટોકરન્સીને બાદ કરતાં બાકીની તમામ ક્રિપ્ટોકરન્સીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. અન્ડરલાઈંગ ટેક્નોલોજીઓને પ્રોત્સાહન આપવા માટે જ અમુક ખાનગી ક્રિપ્ટોરન્સીઓને પરવાનગી અપાશે જ્યારે બીજી બાજુ ભારતીય રિઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળની સત્તાવાર ડિજિટલ કરન્સીને પરવાનગી આપવામાં આવશે. ક્રિપ્કોકરન્સીને ભારતમાં ભવિષ્યમાં એક કોમોડિટી-એસેટ (સંપત્તિ) તરીકે ગણવામાં આવે એવું બની શકે છે અને ત્યારે એની પર ટેક્સ પણ લાગુ કરાશે. બિટકોઈન એક ડિજિટલ કરન્સી છે જે દ્વારા લોકો કોઈ બેન્ક, ક્રેડિટ કાર્ડ ઈસ્યૂ કરનારી કંપની કે બેન્ક અથવા અન્ય થર્ડ પાર્ટીઝને વચ્ચે રાખ્યા વગર ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદી શકે છે. બિટકોઈનને ક્રિપ્ટોકરન્સી અને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ તરીકે પ્રોગ્રામર્સના એક અજાણ્યા ગ્રુપે 2008માં શરૂ કરી હતી. આ અનિયંત્રિત ડિજિટલ ચલણ છે જેમાં કોઈ મધ્યસ્થ (દલાલ કે પ્રતિનિધિ) કે કેન્દ્રીય સર્વર વિના પીઅર-ટુ-પીઅર (માત્ર બે પાર્ટી વચ્ચે) સોદાઓ થાય છે.