AGM:નવું રિલાયન્સ નવા ભારતની આગેવાની કરશેઃ મુકેશ અંબાણી

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સમાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ વડા પ્રધાન મોદીના સ્વતંત્રતા દિવસ પર આપેલા ભાષણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નવું ભારત નથી થોભતું, નથી થાકતું કે નથી હારતું. કંપની પોતાના ઘર, ધરતી, દેશ અને તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે. નવું રિલાયન્સ ભારતના આર્થિક ગ્રોથમાં મહત્ત્વનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું કે જિયો માટે કંપની રૂ. એક લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની છે. રિલાયન્સ જિયો નવા ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનનું પ્રતીક છે અને કંપની લક્ષ્ય તરફ મોટાં ડગ માંડ્યા છે. જિયો 5Gનું રોલઆઉટ વિશ્વમાં કોઈ પણ કંપની કરતાં સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમનાં ત્રણે બાળકો- આકાશ, ઇશા અને અનંત અંબાણીને સામેલ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બરથી દેશમાં દરેક વિસ્તારમાં ગ્રાહકોને 5G સેવા મળવા લાગશે. 2G ફીચર ફોનથી પણ ઓછી કિંમતે જિયોએ માત્ર રૂ. 999માં જિયો ભારત ફોન લોન્ચ કરીને દેશના ઘેરેઘેર સુધી મોબાઇલ અને 4G પહોંચાડવાનું કામ કર્યું છે. ગણેશ ચતુર્થીએ જિયો દેશમાં એક નવી સેવા લોન્ચ કરશે, એમ તેમણે કહ્યું હતું.

કંપનીનું 150 અબજ ડોલરનું મૂડોરોકાણ

તેમણે કહ્યું હતું કે કંપનીએ છેલ્લાં 10 વર્ષોમાં 150 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે, જે દેશમાં કોઈ પણ અન્ય કંપની દ્વારા કરવામાં આવેલા મૂડીરોકાણથી વધુ છે.

નીતા અંબાણીનું રાજીનામું

RILના બોર્ડે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનો સમાવેશ કર્યો છે, જ્યારે નીતા અંબાણીએ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન રહેશે.  

રિલાયન્સની આવક રૂ. 9.74 લાખ કરોડ રહી છે, જ્યા ચોખ્ખો નફો રૂ. 73,000 કરોડ રહ્યો છે. કંપનીની નિકાસ રૂ. 3.4 લાખ કરોડ રહી છે અને કંપનીએ સરકારને રૂ. 1.77 લાખ કરોડનો ટેક્સ ભર્યો છે. કંપની 2.6 લાખ નવી રોજગારીનું સર્જન કર્યું છે અને અમારા કર્મચારીઓની સંખ્યા 3.9 લાખ છે.