ક્રીપ્ટોકરન્સી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે PM મોદીની દુનિયાને ખાસ સલાહ

નવી દિલ્હીઃ ક્રીપ્ટોકરન્સી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આ બે બાબતે આજે સમગ્ર દુનિયામાં ભારે રોમાંચ અને પડકારો ઊભા કરી દીધા છે. માનવજાત માટે આ બંને ટેક્નોલોજીના ઉપયોગની સુરક્ષિતતા અંગે વ્યાપક સ્તરે ચર્ચા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે અહીં B20 શિખર સંમેલનમાં પોતાના સંબોધનમાં ક્રીપ્ટોકરન્સી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને દુનિયાભરના ઉદ્યોગો તથા સરકારોને એક મહત્ત્વની સલાહ આપી છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ક્રીપ્ટોકરન્સીના ઉપયોગના વિષયમાં વધુમાં વધુ ઈન્ટીગ્રેટેડ (સમાન) અભિગમની જરૂર છે. આ માટે મૂલ્યઆધારિત અને સમાન વૈશ્વિક વાસ્તવિક માળખું ઘડવું જોઈએ, જેમાં લાગતાવળગતા તમામ લોકોનું ધ્યાન રાખવું જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે પણ આ જ પ્રકારના અભિગમની જરૂર છે. આ માટે ઉદ્યોગપતિઓ અને સરકારો વચ્ચે પરસ્પર સહયોગ જરૂરી છે. ક્રીપ્ટોકરન્સી અને AI એ દુનિયા સમક્ષ મોટા પડકારો ઊભાં કર્યા છે અને એનો મુકાબલો કરવા માટે સહુએ ઉચિત પ્રયાસો વધારવા પડશે.