મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા અનુપાલન કે અન્ય ગંભીર નિયમભંગમાં સંડોવાયેલા જણાય તેવા ટ્રેડિંગ મેમ્બર્સના ફોરેન્સિક ઓડિટ માટે ઓડિટર્સની નિમણૂક કરવામાં આવે છે. આ નિમણૂક કરવા સંબંધિત ફ્રેમવર્કની નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
સેબીએ હાલમાં ફોરેન્સિક ઓડિટ માટેની સીએ ફર્મ્સ અને કંપનીઓની પેનલ બનાવી છે. આ પેનલના બધા સભ્યોને એકસમાન તક ઉપલબ્ધ થાય તે હેતુથી એક્સચેન્જ દ્વારા એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે નીચે મુજબ છેઃ
- એક્સચેન્જ ઓડિટના વિસ્તાર અને ઓડિટ પૂરું કરવાની સમયમર્યાદા નક્કી કરશે અને સેબીની પેનલ પરના ઓડિટર્સ પાસેથી ક્વોટેશન્સ મગાવશે.
- ઓડિટર્સે તેમના ક્વોટેશન્સને એક્સચેન્જ જાહેરાત કરે એ તારીખથી કામકાજના પાંચ દિવસમાં સુપરત કરવાની રહેશે.
- ઓડિટર્સ પાસેથી ક્વોટેશન્સ મળ્યા બાદ એક્સચેન્જ નીચામાં નીચી બીડ સુપરત કરનારા ત્રણ ઓડિટર્સની પસંદગી કરવામાં આવશે. ત્યાર બાદ એ ત્રણમાંથી જેની સૌથી નીચી બીડ હશે એ બીડ અન્ય બે ઓડિટર્સને જણાવવામાં આવશે અને તેમને તેમની બીડમાં સુધારો કરવાની તક આપવામાં આવશે.
- છેલ્લે સૌથી ઓછી બીડ જેની હશે એ ઓડિટરની નિમણૂક કરવામાં આવશે.