ભારતમાં સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો સુનીલ મિત્તલ, ટીમ કૂક દ્વારા પુનરોચ્ચાર

નવી દિલ્હીઃ હાલ ભારતના પ્રવાસે આવેલા અમેરિકાની એપલ કંપનીના સીઈઓ ટીમ કૂક આજે અહીં ભારતી ગ્રુપના સ્થાપક અને ચેરમેન સુનીલ મિત્તલને મળ્યા હતા અને બંનેએ ભારતમાં તેમજ આફ્રિકાની માર્કેટમાં બંને કંપનીએ ગાઢ રહીને કામ કરવાનું એકબીજાને ફરી વચન આપ્યું હતું.

એપલ કંપનીએ મુંબઈ અને નવી દિલ્હીમાં તેના બે બ્રાન્ડેડ રીટેલ સ્ટોર શરૂ કર્યા છે. ભારતી ગ્રુપે એક નિવેદનમાં કહ્યું છે કે એપલ કંપનીએ ભારતમાં બિઝનેસ કામગીરીના 25 વર્ષ પૂરા કર્યા છે. ટીમ કૂક અને સુનીલ ભારતી મિત્તલે આજે સવારે લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. એપલ અને એરટેલે અત્યાર સુધીમાં જે સંબંધ જાળવી રાખ્યો છે તે અંગે બંને અગ્રણીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભારત તેમજ આફ્રિકાની બજારમાં સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.