અક્ષય તૃતિયા સ્પેશ્યલ રેસિપી
અક્ષય તૃતિયાને રાજસ્થાનમાં આખા વર્ષ દરમ્યાનનો બહુ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે અને તેથી તે વ્યાપક રીતે ઉજવવામાં આવે છે. આ દિવસ સૌભાગ્ય, સફળતા અને ભાગ્યોદયનો દિવસ મનાય છે.
અક્ષય તૃતિયા શુક્લ પક્ષમાં વૈશાખ મહિનાના ત્રીજા દિવસે હોય છે. જે એપ્રિલ અથવા મે મહિના દરમ્યાન આવે છે. કહેવાય છે કે, આ દિવસે સૂર્ય તેમજ ચંદ્રમાની સ્થિતિ શ્રેષ્ઠ હોય છે.
આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ અન્નપૂર્ણા માતાને રાજસ્થાનમાં ઘઉંની ખીચ તેમજ ગોળની રાબ પ્રસાદમાં ધરાવવામાં આવે છે.
ઘઉંની ખીચનો પ્રસાદ શા માટે ધરાવાય છેઃ ખીચનો પ્રસાદ અખંડ (આખા) ધાન્યથી બનાવવામાં આવે છે. ભગવાનને આખું ધાન્ય ધરાવવું બહુ જ શુભ ગણાય છે અને આ મોસમમાં ઘઉંનો પાક પણ થાય છે. એથી આખા ઘઉંનો પ્રસાદ બનાવીને ધરાવવું બહુ જ શુકનવંતુ ગણાય છે. જે ધરાવીને પ્રભુ પાસે સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરવામાં આવે છે.
ઘઉંની ખીચ બનાવવા માટેની સામગ્રીઃ આખા ઘઉં 2 કપ, આખા મગ ¼ કપ, મીઠું ¼ ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, પાણી 6 કપ
રીતઃ ઘઉંને 1-2 પાણીએથી ધોઈને 3-4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લઈને ઘઉંને ખાંડણિયામાં થોડા પીસી લો અથવા મિકસીમાંનું પલ્સ બટન ફેરવીને અધકચરા દળી લો. હવે ઘઉંને સૂકાવા દો. ઘઉં સૂકાય જાય એટલે તેને ચાળણીથી ચાળીને છોતરા કાઢી લો.
કૂકરમાં 6 કપ પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં દળેલા ઘઉં તેમજ મગને ઉમેરીને તેમાં મીઠું તેમજ હળદર મેળવીને 5-6 સીટી થવા દો. કૂકર ઠંડું થાય એટલે ભગવાનને ધરાવવા માટેનો પ્રસાદ તૈયાર છે.
ગોળની રાબ
સામગ્રીઃ ઘઉંનો લોટ 4 ટે.સ્પૂન, ગોળ ½ કપ, ઘી 1 ટે.સ્પૂન, પાણી 2 કપ
રીતઃ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ ગોલ્ડન રંગનો થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લો. એક બાઉલમાં 2 કપ પાણી ગરમ કરી તેમાં ગોળ ઓગાળી લો. લોટ શેકાય જાય એટલે ગોળવાળું પાણી તેમાં ધીમે ધીમે ઉમેરીને તવેથાથી હલાવતાં રહો, જેથી ગઠ્ઠા ના થાય. 5-6 મિનિટ સુધી ગરમ થવા દો. ત્યારબાદ નીચે ઉતારી લો. ઘઉંની રાબ તૈયાર છે.
(રીના મોહનોત)
(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા! જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)