નવી દિલ્હીઃ આર્થિક ગુનાઓમાં તપાસ કરતી રાષ્ટ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે અમેરિકાની વોલ્માર્ટ કંપનીની ફ્લિપકાર્ટ અને તેના સ્થાપકોને પૂછ્યું છે કે વિદેશી મૂડીરોકાણને લગતા કાયદાઓના કથિત ભંગ બદલ તેને 1.35 અબજ ડોલર (આશરે 100 અબજ રૂપિયા)ની પેનલ્ટી શા માટે ફટકારવી ન જોઈએ. ભારતમાં મલ્ટી-બ્રાન્ડ રીટેલ બિઝનેસ પર કડક નિયમન રાખતા અને વિદેશી રીટેલ કંપનીઓને વેચાણકારો માટેના માર્કેટસ્થાનેથી કામ કરતી અટકાવતા વિદેશી મૂડીરોકાણના કાયદાઓનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ છેલ્લા અમુક વર્ષોથી ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે તપાસ કરી રહી છે.
પોતાનું નામ જાહેર કરવાનો ઈનકાર કરીને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના એક અધિકારીએ કહ્યું છે કે ફ્લિપકાર્ટે વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે અને ત્યારબાદ એક સંબંધિત પાર્ટી ડબલ્યુ.એસ. રીટેલએ સામાન તેની શોપિંગ વેબસાઈટ પર ગ્રાહકોને વેચી દીધો હતો. ભારતના કાયદા અંતર્ગત આમ કરવાની મનાઈ છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ચેન્નાઈસ્થિત ઓફિસ તરફથી ગયા જુલાઈના આરંભમાં ફ્લિપકાર્ટને તથા એના સ્થાપકો સચીન બંસલ અને બિન્ની બંસલ તેમજ ઈન્વેસ્ટર ટાઈગર ગ્લોબલને આ કથિત કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. તેમને જણાવાયું છે કે કાયદાના આ ઉલ્લંઘન બદલ તેમને 100 અબજ રૂપિયાનો દંડ શા માટે ફટકારવો ન જોઈએ.