નવી RBI યોજનાઓ ઈન્વેસ્ટરોને સુવિધાજનકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રિઝર્વ બેન્કની બે નવી ગ્રાહકહિત-લક્ષી યોજનાનો આજે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવ્યો છે. આ બે યોજના છેઃ RBI રીટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેન્ક – ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ. મોદીએ આ પ્રસંગે કહ્યું કે આ બે RBI યોજનાને કારણે મૂડીબજારો સુધી ઈન્વેસ્ટરોની પહોંચ સુરક્ષિત અને આસાન બની રહેશે. નાના મૂડીરોકાણકારોને સીધો સરકારી સિક્યુરિટીઝ માર્કેટમાં જ ઈન્વેસ્ટ કરવાનો અવસર મળશે. ઈન્વેસ્ટરો આરબીઆઈના સાથ વડે એમનો સરકારી સિક્યુરિટીઝ એકાઉન્ટ ઓનલાઈન માધ્યમથી તથા મફતમાં, આસાનીથી ખોલી શકશે અને એને જાળવી પણ શકશે.

મોદીએ કહ્યું કે દેશમાં દેશની અર્થવ્યવસ્થા માટે બેન્કિંગ પ્રણાલી મજબૂત હોય એ મહત્ત્વપૂર્ણ છે. સામાન્યજન પણ ઈચ્છે કે નાણાકીય ક્ષેત્રે એની પણ ગણના કરવામાં આવે અને ઈન્વેસ્ટમેન્ટમાં સુગમતા રહે. વળી, બેન્કિંગ પ્રણાલી ઉપર એને વિશ્વાસ બેસે એ જરૂરી છે. આ બધું ત્યારે થાય જ્યારે નાના ઈન્વેસ્ટરો માટે પહોંચ સરળતાભરી હોય.