નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આજે સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે. 2019માં, સીતારામને બ્રિફકેસ સ્વરૂપે બજેટ રજૂ કરવાની પ્રથાને બદલીને ‘બહી ખાતા’ સ્વરૂપે રજૂ કર્યું હતું. બ્રિફકેસવાળી પ્રથા બ્રિટિશના જમાનાની હતી. એને ભાજપની સરકારે બદલી નાખી. આ વર્ષે, કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને લક્ષમાં રાખીને સીતારામન પેપરલેસ બજેટ રજૂ કરે એવી ધારણા છે.
બજેટમાં કયા ક્ષેત્રોને રાહતની આશા છે?
નિર્મલા સીતારામન આ વખતના બજેટમાં કયા ક્ષેત્રો અને સમાજના વર્ગોને કરવેરામાં રાહત આપે છે એ જાહેરાતની ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ફાર્માસ્યુટિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ ક્ષેત્રોને રાહત આપવામાં આવશે એવી ધારણા છે. એને પગલે આ કંપનીઓના શેર ઉંચકાય એવી શક્યતા છે. બાંધકામ ક્ષેત્રમાં યોજના-ખર્ચ વધારવામાં આવે તેમજ ઈલેક્ટ્રિક મોબિલિટી અને રીન્યૂએબલ ઊર્જા માટે પણ બજેટ ભાષણમાં સવલતોની જાહેરાત કરવામાં આવે એવી ધારણા રખાય છે. ઈલેક્ટ્રિક વાહનો અને પર્યાવરણને અનુકૂળ (ગ્રીન એનર્જી) ઉત્પાદનના હિતમાં માળખાકીય વિકાસ માટે સવલતો આપવામાં આવે એવી પણ ધારણા છે.
બજેટને લગતી અમુક રસપ્રદ વિગતઃ
1) બજેટ શબ્દ મૂળ જૂના ફ્રેન્ચ શબ્દ ‘bougette – બુજેટ’માંથી ઉદ્દભવ્યો છે, જેનો અર્થ થાય છે ‘લેધરનું નાનું પર્સ.’
2) ભારતનું પહેલું કેન્દ્રીય બજેટ સ્કોટિશ અર્થશાસ્ત્રી અને નેતા જેમ્સ વિલ્સને 1860માં રજૂ કર્યું હતું.
3) સ્વતંત્ર ભારતનું પહેલું કેન્દ્રીય બજેટ દેશના પ્રથમ નાણાં પ્રધાન આર.કે. શન્મુખમ ચેટ્ટીએ 1947ની 26 નવેમ્બરે રજૂ કર્યું હતું. એ બજેટનો આશરે 46 ટકા હિસ્સો (રૂ. 92.74 કરોડ) સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યો હતો.
4) 1955ની સાલ સુધી કેન્દ્રીય બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં જ રજૂ કરવામાં આવતું હતું. 1955-56થી સરકારે તેને અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષામાં પણ પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી હતી.
5) 1958-59માં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ વડા પ્રધાન હતા. એ વખતે નાણાં ખાતું પણ એમણે પોતાને હસ્તક જ રાખ્યું હતું.
6) 1970-71માં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર ઈન્દિરા ગાંધી દેશનાં પ્રથમ મહિલા હતાં.
7) સૌથી વધારે વખત – 10 વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ ભૂતપૂર્વ નાણાં પ્રધાન મોરારજી દેસાઈ ધરાવે છે. તે પછી પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખરજીનો નંબર આવે છે.
8) 2017માં, રેલવે બજેટને કેન્દ્રીય બજેટની સાથે વિલીન કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. આ ફેરફારો તે વખતના નાણાં પ્રધાન અરૂણ જેટલીએ અમલમાં મૂકાવ્યા હતા.
9) 2019માં, નિર્મલા સીતારામને પ્રતીક બજેટને બ્રિફકેસમાં લઈને સંસદમાં જવાની બ્રિટિશરોના સમય જૂની પરંપરાનો અંત લાવી દીધો હતો. એને બદલે તેઓ એક રીબનની સાથે વીંટાળેલા રાષ્ટ્રીય પ્રતીકની સાથે લાલ રંગનું એક પેકેટ લઈને સંસદમાં પહોંચ્યાં હતાં.
10) 2021માં, સીતારામને કોરોનાવાઈરસ ચેપી બીમારીના ફેલાવાને કારણે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદરેલા ડિજિટલ ભારત મિશન અંતર્ગત ‘બહી ખાતા’ને બદલે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું.
11) સૌથી લાંબું બજેટ ભાષણ કરવાનો વિક્રમ અરૂણ જેટલીના નામે છે. એમણે 2014માં બે કલાક અને 10 મિનિટ સુધી બજેટ ભાષણ કર્યું હતું. એ દરમિયાન એમણે માત્ર 4 મિનિટનો જ બ્રેક લીધો હતો.