નવી દિલ્હીઃ દેશમાં એક સપ્તાહમાં ચાર વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતાં કિંમતો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમ વલણ હતું. બ્રેન્ટની કિંમતો 56 ડોલરથી નીચે આવી હતી. તેમ છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી હતી. સરકારી ઓઇલ કંપનીઓએ બે દિવસની શાંતિ પછી સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો હતો, જેથી મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે રૂ. 92.28 નવા રેકોર્ડ સ્તરે પહોંચી હતી. દેશમાં પેટ્રોલની કિંમતમાં 22થી 26 પૈસા વધ્યા હતા, જ્યારે ડીઝલની કિંમતમાં 24થી 27 પૈસા વધ્યા હતા.
દિલ્હીમાં એક જાન્યુઆરીથી અત્યાર સુધી પેટ્રોલ રૂ. 2.09 મોંઘું થયું છે. આ જ રીતે ડીઝલ રૂ. 2.01 મોંઘું થયું છું. નવા વર્ષે અત્યાર સુધી આઠ વાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો હતો.
ફ્યુઅલ કિંમતો રાજ્યોમાં સેલ્સ ટેક્સ અથવા વેટને લીધે અલગ-અલગ હોય છે. હાલમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. ઓઇલપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સપ્તાહના પ્રારંભમાં કહ્યું હતું કે સાઉદી અરેબિયાએ ઉત્પાદન કાપ મૂકતાં ઓઇલની કિંમતોમાં વધારો થયો છે.
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો અનુક્રમે 25 પૈસા વધીને પ્રતિ લિટરે રૂ. 85.70 અને 75.88 થયા છે. કોલકાતામાં પેટ્રોલ પ્રતિ લિટરે 24 પૈસા વધીને રૂ. 87.11 અને ડીઝલની કિંમતો 25 પૈસા વધીને પ્રતિ લિટરે રૂ. 79.48 થયા છે. એ સાથએ ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રતિ લિટરે 22-24 પૈસા વધીને રૂ. 88.29 અને રૂ. 81.14 થઈ છે.