બુલેટ-ટ્રેનઃ દરિયા નીચે બોગદું બાંધવા 7-કંપની તૈયાર

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના – મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન યોજના) માટે સમુદ્રની નીચે બોગદું બાંધવા માટે ઓછામાં ઓછી સાત કંપનીઓએ રસ બતાવ્યો છે, એમ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન કંપનીએ કહ્યું છે. યોજનામાં આ હજી પ્રી-બીડિંગ તબક્કો છે. આ કોન્ટ્રાક્ટ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને 2021ની 19 ફેબ્રુઆરી સુધીમાં પોતાના બિડ રજૂ કરવા કંપનીઓને જણાવી દેવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેન યોજનામાં 21 કિ.મી. લાંબો અન્ડરગ્રાઉન્ડ કોરિડોર હશે, જે મુંબઈના બીકેસી (બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ)થી થાણે જિલ્લાના કલ્યાણ શિલફાટા સુધી હશે. એમાં આશરે 7 કિલોમીટરનો અન્ડરગ્રાન્ડ કોરિડોર થાણે ખાડીની નીચે હશે. એમાંનો 1.8 કિ.મી. લાંબો ભાગ સમુદ્રના તળિયાની નીચે ડેવલપ કરાશે જ્યારે બાકીનો ભાગ ખાડીની બાજુના ભાગ નીચે (મેન્ગ્રોવ્સના કલણવાળા ભાગની નીચે) બાંધવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રતિ કલાક 350 કિ.મી.ની ઝડપે દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિ.મી.નું અંતર બે કલાકમાં પૂરું કરશે. રૂ. 1.08 લાખ કરોડની કિંમતની યોજનાનું ભૂમિપૂજન 2017ની 14 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી અને જાપાનના તે વખતના વડા પ્રધાન શિન્ઝો એબેએ કર્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]