અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં કાર્યરત કૃષિ બજારોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. દેશમાં 2,587 મુખ્ય કૃષિ બજારોમાંથી 26 માર્ચે લોકડાઉનના પ્રારંભના દિવસોમાં 1,091 બજારો કાર્યરત હતાં, જે 21 એપ્રિલ, 2020 સુધી સંખ્યા વધીને 2,069 બજારોએ પહોંચી હતી. આમ લોકડાઉન દરમ્યાન કાર્યરત કૃષિ બજારોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આ ઉપરાંત આ બજારો તાજી કૃષિ પેદાશોના પુરવઠાથી ઊભરાઈ રહ્યા છે.
ડુંગળી, બટાટા અને ટમેટાંનો અધધધ સપ્લાય
દેશનાં કૃષિ બજારો તાજી કૃષિ પેદાશોથી છલકાઈ રહ્યા છે. 16 માર્ચથી 21 એપ્રિલની વચ્ચે ડુંગળીના સપ્લાયમાં 622 ટકાનો વધારો થયો હતો, જ્યારે બટાટા અને ટમેટાંના સપ્લાયમાં અનુક્રમે 187 અને 210 ટકાનો વધારો થયો હતો.
દેશમાં લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયમાં સરકારે કોઈ રુકાવટ ના કરી હોવાને કારણે કૃષિ બજારોમનાં ડુંગળી, બટાટા અને ટમેટાંનો સપ્લાય જળવાઈ રહ્યો હતો. જોકે લોકડાઉનને લીધે છૂટકમાં કિંમતો થોડી ઊંચી રહી હતી, પણ પુરવઠો જળવાઈ રહેતાં માલખેંચ નહોતી પડી.
ભારતીય અર્થતંત્રને લોકડાઉન દરમ્યાન લગભગ તમામ મોરચે ફટકો પડ્યો છે અને કૃષિ એ ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર છે. જોકે સીઝનમાં સારી લણણીની આગાહીએ પહેલેથી જ ખેડૂતો અને એકંદર અર્થતંત્રને થોડી રાહત આપી હતી. જોકે ચાલુ વર્ષના ચોમાસામાં 100 ટકા વરસાદની આગાહીએ એગ્રી સેક્ટરમાં પ્રાણનો સંચાર કર્યો હતો.