પાંચ વર્ષમાં જીએસટી રિટર્ન ફાઈલકર્તાઓની સંખ્યા 65% વધી

મુંબઈઃ દેશમાં એપ્રિલ-2023 સુધીના પાંચ વર્ષમાં જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 65 ટકાનો વધારો નોંધાયો છે. આ સંખ્યા હવે વધીને 1 કરોડ 13 લાખ થઈ ગઈ છે. આમ, કર ચૂકવણીમાં ઘણો સુધારો આવ્યો છે, એમ કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહ્યું છે.

વધુ નોંધનીય બાબત એ છે કે જીએસટી હેઠળ રજિસ્ટર થયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા પણ વધી છે. 2018ના એપ્રિલમાં તે સંખ્યા 1.06 કરોડ હતી, જે હવે 1.40 કરોડ થઈ છે. 90 ટકા લાયક કરદાતાઓ GSTR-3B રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. આ આંકડો 2017-18માં 68 ટકા હતો, જે વર્ષથી જીએસટી કાયદો લાગુ કરાયો હતો. જીએસટી નિયમો અને પ્રક્રિયાને સરળ બનાવાયા તે પછી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા વધી છે.

ઉલ્લેખનીય છે કે, 2017ની 1 જુલાઈથી દેશભરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ કરાયો હતો. તેમાં એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, વેટ જેવા ડઝનબંધ સ્થાનિક વેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.