રોકાણકારો ‘ડબ્બા ટ્રેડિંગ’ ઓફર કરતી હસ્તીઓથી દૂર રહે

મુંબઈ તા. 17 એપ્રિલ, 2023: શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવવામાં આવે છે કે તેઓ ‘ડબ્બા ટ્રેડિંગ’ પ્રવૃત્તિમાં ન જોડાય કારણ કે તે ગેરકાયદે છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે અખબારી યાદીમાં જણાવ્યું છે. એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “નરેન્દ્ર વી. સુમારિયા” અને “નિતીન શાંતિલાલ નાગડા” ડબ્બા ટ્રેડિંગ ઓફર કરી રહ્યા છે. આ બે વ્યક્તિ એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બર સાથે ઓથોરાઈઝ્ડ પર્સન (એપી) તરીકે જોડાયેલા હતા. તેમની ગેરકાયદે પ્રવૃત્તિને પરિણામે તેમના ઓથોરાઈઝ્ડ પર્સન તરીકેના દરજ્જાને ટ્રેડિંગ મેમ્બર દ્વારા રદ કરવામાં આવ્યા છે.

સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956ની કલમ 23(1)માં જણાવ્યા પ્રમાણે કોઈપણ વ્યક્તિ કે વેપાર સંસ્થા સિક્યુરિટીઝ રેગ્યુલેશન એક્ટની કલમો 13,16,17 અથવા 19નો ભંગ કરવા બદલ કસૂરવાર ઠરશે તો તેને રૂ.25 કરોડ સુધીનો દંડ અથવા દસ વર્ષ સુધીની કેદ કે બંને થઈ શકે છે. ડબ્બા ટ્રેડિંગ સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતા, 1870ની 406, 420 અને 120-બી મુજબ પણ ગેરકાનુની પ્રવૃતિ છે.

એનએસઈ કહે છે, રોકાણકારો આવાં પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરવાથી દૂર રહે, કારણ કે તે એક્સચેન્જ દ્વારા અધિકૃત કે માન્ય નથી. જો રોકાણકારો આવાં ગેરકાયદે પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરશે તો તેમને એક્સચેન્જના રક્ષણના લાભ મળી શકશે નહિ અને વિવાદના કિસ્સામાં તેઓ એક્સચેન્જની ફરિયાદ નિવારણ યંત્રણાનો લાભ પણ મેળવી શકશે નહિ.