મુંબઈ – હવે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે દુનિયાભરનાં છાપાં અને મેગેઝિન્સ ડિસ્કાઉન્ટ પર વાંચવા મળશે. આ ડિસ્કાઉન્ટ IRCTCની ટિકિટ બુકિંગ વેબસાઈટ પર મળશે, કારણ કે રેલવે તંત્રએ અગ્રગણ્ય ડિજિટલ ન્યૂઝસ્ટેન્ડ મેગ્ઝસ્ટર સાથે સહયોગ કર્યો છે.
આ ભાગીદારી અનુસાર, રેલવે પ્રવાસીઓ એક્સક્લુઝિવ ઓફર અંતર્ગત 5000થી વધુ બેસ્ટ-સેલિંગ મેગેઝિન્સ અને પસંદગીકૃત અખબારો એમનાં ફોન કે ટેબ્લેટ્સ પર અનલિમિટેડ એક્સેસ મેળવી શકશે.
આ મેગેઝિન્સ 40થી વધુ કેટેગરીમાં મળશે જેમ કે ઓટોમોટિવ, બિઝનેસ, કોમિક્સ, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફિટનેસ, લાઈફસ્ટાઈલ, સમાચાર, રાજકારણ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને ટ્રાવેલ. મતલબ કે 6 વર્ષનાં બાળકથી લઈને 60 વર્ષનાં પ્રૌઢ, વૃદ્ધજનોને પણ વાંચનની ભરપૂર સામગ્રી મળી રહેશે.
આ સુવિધા હાલ irctc.co.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
IRCTC યુઝર્સને કસ્ટમાઈઝ્ડ પેકેજીસ સાથે તેમજ સાત દિવસના ફ્રી ટ્રાયલ પેકેજ સાથે મોટા ડિસ્કાઉન્ટ ભાવ સાથે આ સુવિધા મળશે.
IRCTC યુઝર્સ 20 રૂપિયામાં એક દિવસથી લઈને 499 રૂપિયામાં એક વર્ષ સુધીની અલગ અલગ પ્રકારના પેક્સ પસંદ કરી શકે છે અને અમર્યાદિત સમય માટે વાંચન કરી શકે છે.
રેલવે પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવાસ કરતાં કરતાં ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત તમામ મોટાં દેશોનાં છાપાં અને મેગેઝિન્સનો અનલિમિટેડ એક્સેસ મળી શકશે.
રેલવે પ્રવાસી એમના ડિવાઈસ પર મેગેઝિન્સ ડાઉનલોડ કરી લે એ પછી ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ તેઓ વાંચન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, મેગ્ઝસ્ટર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી સહિત તમામ પ્રાદેશિક ભાષાઓમાં મેગેઝિન્સ ઉપલબ્ધ કરાવી આપે છે.