નિફ્ટી એક મહિનાની ઊંચાઈએઃ સેન્સેક્સ 80,000ને પાર

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. છેલ્લા કલાકોમાં હેવી વેઇટ શેરોમાં તેજીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં પણ નિફ્ટી 24,300ને પાર થયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ 350 પોઇન્ટથી વધુની તેજી થઈ હતી. રિયલ્ટી, મેટલ શેરોમાં સૌથી વધુ તેજી તઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા.

સરકારે ATF, ક્રૂડ પ્રોડક્ટ્સ, પેટ્રોલ અને ડીઝલ ઉત્પાદનો પરથી વિન્ડ ટેક્સ ખતમ કર્યો છે. આ નિર્ણયથી સરકારના ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં વધારો થશે. સરકારે એને જુલાઈ, 2022માં વૈશ્વિક ક્રૂડની વધતી કિંમતોને કારણે લગાવ્યો હતો. સરકારે વિન્ડ ફોલ હટાવતાં રિલાયન્સ અને ONGC શેરોમાં તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનમાં સિમેન્ટ અને ગ્રીન એનર્જી શેરોમાં તેજી થઈ હતી.

આ સાથે કિંમતોમાં વધારા પછી સિટી ગેસ કંપનીઓમાં તેજી રહી હતી. MGL અને IGLમાં પાંચ ટકાની તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 446 પોઇન્ટ ઊછળીને 80,249ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 145 પોઇન્ટ ઊછળી 24,276ના મથાળે બંધ થયો હતો.  

BSE એક્સચેન્જ પર કુલ 4237 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2509 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1546 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 182 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 246 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.