નવી દિલ્હીઃ સરકાર અગાઉના ઈ-કોમર્સ માટેના ડ્રાફ્ટમાં ફેરફાર કરી રહી છે. સરકાર નવા ઈ-કોમર્સના નિયમો માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. સરકાર પાસે વિદેશી કંપનીઓ માટે ધારાધોરણો આકરાં કરવાની માગ કરવામાં આવી હતી, જેમાં સંબંધિત કંપનીઓને ફ્લેશ સેલ રોકવાથી અટકાવવાની માગ પણ સામેલ છે. સરકાર આ નવા નિયમો ટૂંક સમયમાં બહાર પાડશે, એમ કન્ઝયુમર અફેર્સ મંત્રાલયના ફૂડ અને જાહેર વિતરણ ખાતાના વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું.
જોકે સામે પક્ષે ટાટા, એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ અને અન્ય ઈ-કોમર્સ કંપનીઓએ અગાઉના ડ્રાફ્ટમાંની કલમોનો ભારે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ડ્રાફ્ટમાંની કેટલીક જોગવાઈઓ નાણાં અને કોર્પોરેટ મામલાઓના મંત્રાલય અને સરકારની પબ્લિક થિંક ટેન્ક નીતિ આયોગને પણ સુસંગત નહોતી. આ બધા મતભેદોને જોતાં કન્ઝ્યુમર અફેર્સ વિભાગે અનેક કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝના એસોસિયેશનો સાથે વિચારવિમર્શ કર્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
કન્ઝ્યુમર્સ અફેર્સનું મંત્રાલય છેલ્લા ત્રણ મહિનાથી દાળો અને કઠોળની કિંમતો પર ભવિષ્યમાં નિયંત્રણ રાખવા માટે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યું છે. વળી, વિભાગે મુખ્ય દાળો અને કઠોળની છ મહિનાની અંદાજિત કિંમતોમાં ઉછાળા માટે એક ફોરકાસ્ટિંગ મોડલ પણ વિકસાવ્યું છે. આ માટે ઓટોરિગ્રેસિવ ઇન્ટિગ્રેટેડ મુવિંગ એવરેજ વિથ એક્સપ્લેનટરી (ARIMAX) વેરિયેબલ (કિંમતમાં ફેરફાર) મોડલમાં મંડીઓમાં અને આયાત થકી સ્થાનિક કોમોડિટીની જણસોની કિંમતો અંદાજ કરી શકાય છે.