વોશિંગ્ટનઃ દિગ્ગજ OTT પ્લેટફોર્મ અને ઓનલાઇન સ્ટ્રિમિંગ કંપની નેટફ્લિક્સ હાલના દિવસોમાં નાણાકીય સંકટથી ઝઝૂમી રહી છે. કંપનીએ આવકનો ગ્રોથ રેટ ઘટતાં અને ખર્ચ ઘટાડવાના ભાગરૂપે આશરે 150 લોકોને નોકરીમાંથી છૂટા કર્યા હતા, એમ નેટફ્લિક્સે જણાવ્યું હતું, જેમાં મોટા ભાગના અમેરિકાના કર્મચારીઓ હતા. આ ફેરફાર પ્રાથમિક તબક્કે મુખ્યત્વે વ્યક્તિગત દેખાવ કરતાં વ્યાવસાયિક જરૂરિયાતને લીધે કરવામાં આવ્યો છે. આ એક મુશ્કેલ નિર્ણય હતો, અમે પણ અમારા સહયોગીઓને ગુમાવવા નહોતા ઇચ્છતા, પણ અમારે હાલ આ નિર્ણય લેવો પડ્યો છે. જોકે આ મુશ્કેલ સમયમાં તેમને જાળવવા માટે અમે હાલ પણ આકરી મહેનત કરી રહ્યા છે.
નેટફ્લિક્સે વર્ષ 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં 7.87 અબજ ડોલરની આવક નોંધાવી છે. જોકે કંપનીના સબસ્ક્રાઇબર્સમાં બે લાખ સબસ્ક્રાઇબર્સનો ઘટાડો નોંધાયો છે. જોકે વિશ્લેષકોએ અંદાજે આવકનો 7.93 અબજ ડોલર અને 27 લાખ સબસ્ક્રાઇબર્સના ઘટાડાનો અંદાજ માંડ્યો હતો. માર્ચ, 2022એ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘટીને 22.16 કરોડ સબસ્ક્રાબર્સની થઈ હતી, જે ગયા વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાની તુલનાએ થોડી ઓછી છે.
કંપનીએ શેરહોલ્ડરોને લખેલા ત્રિમાસિક પત્રમાં કહ્યું હતું કે કંપનીનો આવકનો ગ્રોથ ધીમો પડ્યો છે, જેથી પરિણામ પણ ઓછું આવવાનું છે, જેથી કર્મચારીઓની છટણી કરવાની અપેક્ષા સેવાતી હતી. કંપનીએ હાલમાં લોન્ચ કરેલા કન્ટેન્ટ માર્કેટિંગ ઓપરેશન ટુડુમમાંથી આશરે 25 લોકોને દૂર કર્યા છે.
