નેસ્લેનો 60% ફૂડ-પોર્ટફોલિયો અનહેલ્થીઃ કંપનીનો દસ્તાવેજમાં સ્વીકાર

નવી દિલ્હીઃ નેસ્લે હવે ડેમેજ કન્ટ્રોલ મોડમાં છે, કેમ કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એના 60 ટકાથી વધુ ફૂડ પોર્ટફોલિયો અનહેલ્થી છે. જોકે કંપનીએ કહ્યું છે કે કંપની એનાં ઉત્પાદનોને પોષણયુક્ત અને આરોગ્યને લગતી વ્યૂહરચના અપડેટ કરી રહી છે. ફૂડ જાયન્ટે કહ્યું હતું કે કંપની એનાં ઉત્પાદનોના પોર્ટફોલિયોને પોષણયુક્ત બનાવવા પર જોરશોરથી કામ કરી રહી છે.

વિશ્વની સૌથી મોટી ફૂડ કંપનીએ કહ્યું હતું કે કંપનીએ છેલ્લાં સાત વર્ષમાં એની પ્રોડક્ટમાં ખાંડ અને સોડિયમનો આશરે 14-15 ટકાનો ઘટાડો કર્યો છે. કંપની એના ઉત્પાદનોને વધુ આરોગ્યપ્રદ બનાવી રહી છે.

તાજેતરનાં વર્ષોમાં કંપનીએ બાળકો અને પરિવારો માટે હજારો ઉત્પાદનોને વધારે પોષણયુક્ત બનાવી રહી છે. અમે માનીએ છીએ કે સુખાકારી અને આનંદ વચ્ચે સંતુલન જાળવવું. આમાં કેટલાંક પીણાં પણ સામેલ છે. અમે અમારા પ્રોડક્ટના પોર્ટફોલિયોને ટેસ્ટિયર અને હેલ્થિયર બનાવવાનું ચાલુ રાખીશું, એમ કંપનીએ કહ્યું હતું.

નેસ્લેના આંતરિક દસ્તાવેજમાં સ્વીકાર્યું હતું કે કંપનીના મેઇનસ્ટ્રીમના ખોરાક અને પીણાં આરોગ્યના માપદંડોની દ્રષ્ટિએ ખરા નથી ઊતરતા. અહેવાલ મુજબ કંપનીએ સ્વીકાર્યું હતું કે કેટલાંક ઉત્પાદનો ક્યારેય હેલ્થી રહેશે નહીં,પછી ભલે ગમેએટલી વાર એમાં ફેરફાર કરવામાં આવે. કંપનીના ફૂડ અને બેવરેજિસ પ્રોડક્ટસના માત્ર 37 ટકા ઓસ્ટ્રેલિયાના હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ અનુસાર 3.5 ટકાથી વધુ રેટિંગના છે.

કંપનીનાં 70 ટકા ઉત્પાદનો ફૂડનાં ધારાધોરણોએ ખરાં નથી ઊતરતાં અને એના કોફી સિવાયનાં 96 ટકા પીણાં માપદંડોએ નિષ્ફળ રહ્યાં છે, એનાં 99 ટકા કન્ફેક્શનરી અને આઇસક્રીમ પોર્ટફોલિયો સ્ટાન્ડર્ડને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે.