કાલથી કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવતીકાલે બેસી જાય એવી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નૈઋત્ય ખૂણેથી આવતા પવનનું પ્રમાણ વધ્યું છે અને એને કારણે કેરળ રાજ્યમાં વરસાદ વધ્યો છે, સાથે પવનની ગતિ પણ વધી છે. આમ, રાજ્યમાં ચોમાસાની પધરામણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચાર મહિના સુધી ચાલતું ચોમાસું કેરળમાં સામાન્ય રીતે 1 જૂનથી બેસી જતું હોય છે, પરંતુ આ વખતે કર્ણાટક પરના સમુદ્રીકાંઠા પર વાવાઝોડાનું સર્ક્યૂલેશન જામતાં નૈઋત્ય તરફથી આવતા ચોમાસાના પવનની પ્રગતિમાં અવરોધ ઊભો થયો હતો.

અરબી સમુદ્રમાં, કેરળના સમુદ્રકાંઠાની ઉપર કાળાં વાદળોનો જથ્થો સતત વધતો જાય છે. સમુદ્રકાંઠો વાદળછાયો બની ગયો છે. કેરળના 14 સ્થળે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તે આવતીકાલથી વધવાની અને એ સાથે જ ચોમાસું બેસી જવાની ધારણા રખાય છે. મુંબઈ-મહારાષ્ટ્રમાં 11 જૂન સુધીમાં ચોમાસું બેસવાની ધારણા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું રહેશે એવી હવામાન વિભાગની આગાહી છે. ભારતમાં ચોમાસું નૈઋત્ય ખૂણેથી પ્રવેશતું હોય છે. તે સૌથી પહેલાં કેરળમાં બેસે છે અને ત્યાંથી ઉત્તર દિશા તરફ અને મધ્ય ભારત તરફ આગળ વધતું હોય છે.