નવી દિલ્હીઃ સ્વૈચ્છિક નાદારી નોંધાવવા માટે ગો ફર્સ્ટ એરલાઈને નોંધાવેલી અરજીને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ સ્વીકાર કર્યો છે. આનાથી એરલાઈનને મોટી રાહત થઈ છે. કારણ કે લેણદારો અને શાહુકારો તરફથી ધિરાણ વસૂલીની માગણી સામે એરલાઈનને દેવા મોકૂફી હેઠળ રક્ષણ મળશે. એનસીએલટી સંસ્થાએ વધુમાં, એરલાઈનને આદેશ આપ્યો છે કે તેણે 19 મે સુધી તેની વિમાન સેવા બંધ રાખવી.
એનસીએલટી સંસ્થાએ ગો ફર્સ્ટની નાદારી પીટિશનનો સ્વીકાર કર્યા બાદ તેની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે એરલાઈન સ્થગિતતાનું સ્ટેટસ જાળવવાનું રહેશે અને લવાદની પ્રક્રિયા હાથ ધરવાં આવશે. એનસીએલટીએ ગો ફર્સ્ટની મેનેજમેન્ટને સસ્પેન્ડ કરી છે અને તેને આદેશ આપ્યો છે કે તે ઈન્સોલ્વન્સી રીઝોલ્યૂશન પ્રોસેસ (IRP) માટે જરૂરી સહકાર આપે. આ ઉપરાંત, પ્રક્રિયા સંબંધિત થનાર ખર્ચને પહોંચી વળવા માટે રૂ. પાંચ કરોડની રકમ IRPમાં જમા કરાવવાનો પણ તેને આદેશ આપવામાં આવ્યો છે. એક વધુ આદેશમાં ગો ફર્સ્ટ કહેવામાં આવ્યું છે એણે તેના કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવા નહીં.