મુંબઈ: નૅશનલ કંપની લૉ ઍપલેટ ટ્રિબ્યુનલે (NCLAT) 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – એફટીઆઇએલ)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને સુપરસીડ કરવા માટેની કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયની અરજીને ગુરુવારે ફગાવી દેતાં કંપનીનો મહત્ત્વનો કાનૂની વિજય થયો છે. કંપનીઝ લૉની કલમ 397 હેઠળ મંત્રાલયે ઉક્ત અરજી કરી હતી.
આ ચુકાદા સાથે ઍપલેટ ટ્રિબ્યુનલે 63 મૂન્સના વર્તમાન બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ગેરવહીવટના તમામ પાયાવિહોણા આક્ષેપોમાંથી સંપૂર્ણપણે દોષમુક્ત જાહેર કર્યા છે. આ બોર્ડમાં ચાર ભૂતપૂર્વ સનદી અધિકારીઓ, સર્વોચ્ચ અદાલતના એક ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ, મુંબઈ વડી અદાલતના એક ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ, એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એક આઇઆઇએમ-અમદાવાદના સ્નાતક, એક જાણીતા અર્થશાસ્ત્રી અને બે ભૂતપૂર્વ સીનિયર બૅન્કર્સનો સમાવેશ થાય છે.
NCLATના ચુકાદા સંબંધે 63 મૂન્સના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ એસ. રાજેન્દ્રને કહ્યું હતું કે અમારી પેટા કંપની નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)માં સર્જાયેલી પૅમેન્ટ ડિફોલ્ટની કટોકટી સંબંધે કંપનીના બોર્ડને સુપરસીડ કરવાની કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયની અરજીને ઍપલેટ ટ્રિબ્યુનલે ફગાવી દીધી એ બાબત અમારા માટે આનંદદાયક છે. આ આદેશ પરથી પુરવાર થાય છે કે 63 મૂન્સના વર્તમાન બોર્ડ ઑફ ડિરેક્ટર્સે પોતાના શેરધારકોના હિતની વિરુદ્ધ કોઈ ખોટું પગલું ભર્યું નથી.
જો કે, એસ. રાજેન્દ્રને એ બાબતે આઘાત અને આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી છે કે ઍપલેટ ટ્રિબ્યુનલે 63 મૂન્સના અમુક ભૂતપૂર્વ ડિરેક્ટરો વિરુદ્ધ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની ચેન્નઈ બેન્ચે આપેલા નિર્ણયને બહાલ રાખ્યો છે. તેમનું કહેવું છે કે મંજય શાહ અને દેવાંગ નેરાલા એનએસઈએલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ ન હતા, છતાં તેમની સામે કંપનીઝ કાયદાની કલમ 388બી હેઠળ નિર્ણય અપાયો હતો, જે બહાલ રખાયો છે. ઉપરાંત, જિજ્ઞેશ શાહની સામે પણ આ કલમ રહેવા દેવામાં આવી છે. ખરી રીતે તો કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે 2015માં અરજી કરી ત્યારે તેમાં આ બાબતે કોઈ દાદ માગવામાં આવી ન હતી.
એનએસઈએલની વિરુદ્ધ કલમ 397 હેઠળ કોઈ કાર્યવાહી શરૂ કરાઈ નથી તથા એનએસઈએલના બીજા કોઈ ડિરેક્ટર વિરુદ્ધ કલમ 388બી બહાલ રાખવામાં આવી નથી. ફક્ત ત્રણ ભૂતપૂર્વ ડિરેક્ટરો બાબતે કલમ 388બી હેઠળ નિર્ણય અપાયો એ તેમાં રહેલી વિસંગતતા છે.
એનએસઈએલની પૅમેન્ટ કટોકટી યુપીએ સરકારના બીજા કાર્યકાળમાં ઘડાયેલા રાજકીય ષડ્યંત્રને લીધે ઊભી થઈ હતી. તેના મારફતે યુપીએ સરકારના એક વગદાર રાજકારણી તથા તેમના વફાદાર સરકારી અમલદારો દ્વારા જિજ્ઞેશ શાહને નિશાન બનાવવામાં આવ્યા છે. એ સ્થાપિત રાજકીય હિતોએ પોતાની જવાબદારી નિભાવી નહીં અને સરકારને ગેરમાર્ગે દોરીને ઉદ્યોગ માટે આવાં અનેક નકારાત્મક પગલાં ભર્યાં.
એસ. રાજેન્દ્રને કહ્યું છે કે NCLATના ચુકાદાના અમલી હિસ્સા વિશે સમીક્ષા થઈ રહી છે અને કાનૂની સલાહ પ્રમાણે યોગ્ય પગલાં ભરવામાં આવશે. અમને ખાતરી છે કે આખરે સત્યનો વિજય થશે અને ન્યાય તોળાશે.