મુંબઈઃ સ્પાઈસજેટ એરલાઈનની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને કંપનીનો વિકાસ વધારવા માટે એક વ્યૂહાત્મક પગલું ભરવામાં આવ્યું છે. શહેરના ઉદ્યોગપતિ હરિહર મહાપાત્ર અને એમના પત્ની પ્રીતિ મહાપાત્રએ આ એરલાઈનમાં રૂ. 1,100 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરીને 19 ટકા હિસ્સો ખરીદ્યો છે. સ્પાઈસજેટે આ જાણકારી મુંબઈ શેરબજારને આપી છે.
મહાપાત્ર દંપતીની આ ઈન્વેસ્ટમેન્ટ યોજનામાં એરિઝ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં ત્રણ ટકા હિસ્સો તથા વોરન્ટ્સ કન્વર્ઝનના માધ્યમથી એલારા કેપિટલમાં 8 ટકા હિસ્સાની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. સ્પાઈસજેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના વિકાસ માટે રૂ. 2,250 કરોડની નવી મૂડી ઊભી કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કર્યો હતો.