મુંબઈમાં આઈફોન-15 ખરીદવા એપલ સ્ટોર ખાતે ગ્રાહકોનો જબ્બર ધસારો

મુંબઈઃ એપલ કંપનીએ તેની આઈફોન શ્રેણીનો હાલમાં જ લોન્ચ કરેલો નવો આઈફોન-15 આજથી ભારતમાં વેચાણમાં મૂકવામાં આવ્યો છે. અહીં બાન્દ્રા (ઈસ્ટ)સ્થિત બીકેસી વિસ્તારમાં આવેલા મુકેશ અંબાણીની માલિકીના જિયો વર્લ્ડ ડ્રાઈવ મોલમાં આવેલા એપલ સ્ટોર (એપલ BKC)માં આઈફોન-15નું વેચાણ આજે સવારથી શરૂ કરવામાં આવ્યું છે. આ લેટેસ્ટ આવૃત્તિનો સ્માર્ટફોન ખરીદવા માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે. એને કારણે મોલમાં ચિક્કાર ગિરદી જોવા મળી રહી છે.

એપલ ચાહકો-ગ્રાહકોની લાંબી લાઈન જોવા મળી છે. ઘણા લોકો તો નવો ડિવાઈસ ખરીદવા માટે 17 કલાકથી એપલ સ્ટોરની બહાર લાઈન લગાવીને ઊભાં હતાં.

ભારતમાં આઈફો-15 શ્રેણીનાં ફોનની કિંમત રૂ. 79,900થી શરૂ થાય છે અને રૂ. 1,99,900 જેટલી ઉંચી જાય છે. આઈફોન-15ના વેચાણથી માત્ર એપલ કંપનીને જ નહીં, પણ ભારતના સૌથી ધનવાન એવા મુકેશ અંબાણીને પણ કમાણી થશે. એપલ BKC સ્ટોર એપલ કંપનીએ ભારતમાં શરૂ કરેલો તેનો પહેલો સત્તાવાર રીટેલ સ્ટોર છે. અંબાણીની માલિકીના ઉક્ત મોલે એપલ સાથે 11-વર્ષનો કરાર કર્યો છે. એપલ BKC સ્ટોર 20,800 સ્ક્વેર ફીટ વિસ્તારમાં પ્રસરેલો છે. આ સ્ટોરનું ભાડું દર વર્ષે 15 ટકા જેટલું વધે છે. એપલ કંપની અંબાણીના મોલને દર મહિને મિનિમમ રૂ. 42 લાખની રકમ ભાડા પેટે ચૂકવે છે. તદુપરાંત, પહેલા ત્રણ વર્ષમાં એપલને થનાર કમાણીમાંથી બે ટકા અંબાણી મોલને આપવાનું પણ નક્કી થયું છે. આ ટકાવારી ત્રણ વર્ષ પછી અઢી ટકા થશે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, એપલ BKC સ્ટોરે આજે પહેલા જ દિવસે રૂ. 10 કરોડનું વેચાણ કર્યું છે અને મહિનામાં આ આંકડો રૂ. 25 કરોડ પર પહોંચી જશે. કરાર મુજબ, એપલ અંબાણીના મોલને દર મહિને રૂ. 42 લાખનું ભાડું અને રૂ. 50 લાખ રેવેન્યૂ શેરિંગ તરીકે ચૂકવશે.