આઇસી15 ઇન્ડેક્સ 407 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખ્યા અને ભવિષ્યમાં એમાં વધારો થઈ શકે છે એવો સંકેત આપ્યો એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.17 ટકા (407 પોઇન્ટ) ઘટીને 34,428 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,835 ખૂલ્યા બાદ 35,176ની ઉપલી અને 34,325ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા. ટોચના ઘટેલા કોઇન લાઇટકોઇન, બીએનબી, અવાલાંશ અને યુનિસ્વોપ હતા.

દરમિયાન, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ક્રીપ્ટોકરન્સી સંબંધિત સર્વાંગી નીતિ જાહેર કરવાનું આયોજન જાહેર કર્યું છે. બીજી બાજુ, દક્ષિણ કોરિયાના બીજા ક્રમાંકના શહેર બુસાને પબ્લિક બ્લોકચેઇન નેટવર્ક વિકસાવવા માટે આશરે 75 મિલ્યન ડોલરની ફાળવણી કરી છે. સમગ્ર શહેર બ્લોકચેઇન પર આધારિત બનાવવાનું મહત્ત્વાકાંક્ષી આયોજન અહીં કરવામાં આવ્યું છે. અન્ય એક અહેવાલ મુજબ ક્રીપ્ટોકરન્સી પેમેન્ટ કંપની – અલકેમી પે અમેરિકામાં મની ટ્રાન્સમિટર લાઇસન્સ પ્રાપ્ત કરનારી કંપની બની છે.