કોલકાતાઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે એમનું ગ્રુપ આવતા ત્રણ વર્ષમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં અધિક રૂ. 20,000 કરોડનું મૂડીરોકાણ કરશે. એમણે આ જાહેરાત ગઈ કાલે અહીં બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટની 7મી આવૃત્તિના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કરી હતી. એમણે કહ્યું કે, રિલાયન્સ ગ્રુપ ડિજિટલ લાઈફ સોલ્યૂશન્સ, રીટેલ અને બાયો-એનર્જી જેવા ક્ષેત્રોમાં અતિરિક્ત મૂડીરોકાણ કરશે.
અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ બંગાળના આર્થિક વિકાસને વેગ આપવા માટે કોઈ કસર નહીં છોડે. રિલાયન્સે પશ્ચિમ બંગાળમાં રૂ. 45,000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આજે મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે આવતા ત્રણ વર્ષમાં આ રાજ્યમાં વધુ રૂ. 20,000 કરોડનં ઈન્વેસ્ટમેન્ટ કરવા વિચારીએ છીએ. રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્યસેવાઓ અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ લાવવાની જરૂર છે. સમૃદ્ધ બંગાળ રાજ્ય દક્ષિણ-પૂર્વ અને દૂર-પૂર્વ એશિયાના દેશો માટે ફરીથી ભારતનું ગેટવે બનશે.