પાડોશી દેશોમાં મોબાઇલ કોલના ભાવ જાણશો તો કોઠે ટાઢક વળશે

નવી દિલ્હીઃ ભારતમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા સર્વિસ રેટ વધારવાની જાહેરાતથી મોબાઇલ ગ્રાહકના કપાળે  કરચલીઓ દેખાવા માંડી છે. એરટેલ, વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિયોએ પણ જાહેરાત કરી છે કે તેમના મોબાઇલ સર્વિસ રેટ થોડા દિવસોમાં વધશે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ ડિસેમ્બરથી વધેલા દરોને લાગુ કરવા જઈ રહી છે. જોકે, રિલાયન્સ જિયો ક્યારથી વધારશે તેના વિશે કંપનીએ હજી સુધી કંઈ કહ્યું નથી. આ માટે ટ્રાઇની સલાહ લેવામાં આવશે.

આંકડાઓ દર્શાવે છે કે મોબાઇલ ગ્રાહકો વધુ સારી સુવિધા માટે હવે ઝડપથી બીજી કંપની પસંદ કરી લે છે. આનું એક મુખ્ય કારણ સારી મોબાઇલ સેવાઓનો અભાવ અને તેની કિંમત છે. આ કારણે સપ્ટેમ્બરમાં વોડાફોન-આઇડિયાએ 2.5 મિલિયનથી વધુ અને ભારતી એરટેલે લગભગ 24 લાખ ગ્રાહકો ગુમાવ્યાં છે. રિલાયન્સ અને બીએસએનએલને આ કંપનીઓમાંથી બહાર નીકળી રહેલાં ગ્રાહકોનો સીધો ફાયદો થયો છે.  બીએસએનએલે છ લાખ નવા ગ્રાહકોનો સમાવેશ કર્યો છે, જ્યારે રિલાયન્સ જિયોએ 69 લાખથી વધુ નવા ગ્રાહકો બનાવ્યાં છે. 2013થી લઇને ભારતમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં કંપનીઓનો ઉદ્દેશ ભવિષ્યમાં વધુને વધુ ગ્રાહકોને આકર્ષિત કરવાનો છે.

દેશમાં અત્યાર સુધીની  મોબાઈલ સર્વિસની વાત કરીએ તો પહેલાં મોબાઈલમાં આવતાં ફોન માટે પણ પૈસા ચૂકવવા પડતાં હતાં. તેવું હવે નથી. તો  ઇન્ટરનેટ રેટમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આપણે તેની સરખામણી પાડોશી દેશો સાથે કરીએ તો તફાવત સરળતાથી જાણી શકાય છે. ભારતમાં મોબાઇલ સર્વિસના દરોમાં વધારો કર્યા પછી પણ ગ્રાહકોને ઇન્ટરનેટ અને મોબાઇલ સુવિધા તેના પાડોશી દેશો કરતાં ઘણાં સસ્તા દરે પ્રદાન કરી રહ્યું છે.

મ્યાનમારમાં પોતાની સેવાઓ પ્રદાન કરતી ટેલિનોર કંપની તેના પોતાના નેટવર્ક પર વાત કરવા માટે પ્રતિ મિનિટ 12 ક્યાટ લે છે. જો મ્યાનમારના ચલણની સરખામણી ભારતીય રૂપિયા સાથે કરવામાં આવે તો મ્યાનમારનો એક ક્યાટ ભારતના 0.047 પૈસાની બરાબર છે. મ્યાનમારમાં આ કંપની ઇન્ટરનેટ માટે પ્રતિ એમબી દસ ક્યાટ લે છે. તે જ રીતે, વોઇસ ઓફ નેટ પ્રતિ મિનિટ 28 ક્યાટ અને કોઈપણ નેટવર્ક પર એસએમએસ માટે 15 ક્યાટલે છે. હવે ચાલો ભારતના અન્ય પાડોશી દેશો પર પણ એક નજર કરીએ.

ટેલિનોર મ્યાનમારની સાથે સાથે પાકિસ્તાનમાં પણ સેવા આપે છે. અહીં તેના સર્વિસ રેટ સ્પષ્ટપણે મ્યાનમારથી અલગ છે. પાકિસ્તાનનો એક રૂપિયો ભારતના 0.46 પૈસા બરાબર છે. અહીં મોબાઈલ સર્વિસ પ્રદાન કરનારી આ કંપની 9 જીબી ડેટાવાળા એક જ પ્લાનમાં બધા માટે 600 રૂપિયા જેટલો ચાર્જ લે છે. અહીં કંપનીએ વોટ્સએપ અને ફેસબુક માટે અલગ નેટ આપવાની સુવિધા આપી છે. ઉદાહરણ તરીકે, 200 રૂપિયાના પ્લાનમાં, કંપની તેના ગ્રાહકોને ફક્ત આ માટે એક હજાર એમબી આપે છે.

હવે શ્રીલંકા તરફ જોઇએ. અહીં એક રૂપિયો ભારતના 40 પૈસા બરાબર છે. ભારતમાં સેવા આપતી ભારતી એરટેલ પણ અહીં સેવા પૂરી પાડે છે. કંપની એક જ એસએમએસ પર એક હજાર એસએમએસ અને 100 એમબી ડેટા પ્રદાન કરે છે જે એક જ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સની સુવિધા સાથે 21 દિવસ સુધી પ્રીપેડ ગ્રાહકો માટે 119 રૂપિયામાં 14 દિવસ માટે 1.65 જીબી ડેટા પ્રદાન કરે છે. તે રાત્રે એક જીબી અને દિવસ માટે 660 એમબી છે.

નેપાળની મોબાઇલ સર્વિસ કંપની નેપાળ ટેલિકોમની વાત કરીએ તો તે કંપની 28 દિવસ માટે 1125 રૂપિયામાં 1 જીબી ડેટાની સુવિધા આપે છે. દિવસના 125 રૂપિયામાં 100 એમબી ડેટા પ્રદાન કરે છે. તેમાં સીડીએમએ અને જીએસએમ બંને સુવિધા છે. તેની પ્રતિસ્પર્ધી કંપની એન્સેલ 1 જીબીથી 10 જીબીથી 900-3900 રૂપિયામાં એક મહિના માટે ઓફર કરે છે. અહીં પણ પાકિસ્તાન જેવા ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરવા માટે એક અલગ પેકેજ ઉપલબ્ધ છે. બાંગ્લાલિંક બાંગ્લાદેશમાં 1 જીબીથી 5 જીબી સુધીની ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરે છે. અહીં કંપની 288 રૂપિયામાં 500 કોલ મિનિટ આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]